CMOના અધિકારી અને ગીફ્ટ સીટીના પ્રેસિડેન્ટની ખોટી ઓળખ આપી મહિલા મોડલ સાથે દુષ્કર્મ
અહેવાલઃ ડિકેશ સોલંકી, વડોદરા
મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક મહાઠગનો કિસ્સો સામે આવ્યો છે. ગોત્રી પોલીસે સ્ટેશનમાં મહાઠગ વિરાજ પટેલ સામે નોંધાઈ 2 ફરીયાદ નોંધાઇ છે. CMOના અધિકારી અને ગીફ્ટ સીટીના પ્રેસિડેન્ટની ખોટી ઓળખ આપી મહિલા મોડલ સાથે આ ઠગે દુષ્કર્મ આચર્યું હતું. મહાઠગ વિરાજે મુંબઈમાં રહેતી મહિલા મોડલને ગીફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી.
મહિલા મોડેલને 4 દિવસનું શૂટિંગ કરવાનું છે તે કહી બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈ ખાતે જવાનું હોવાની લાલચ આપી હતી. જે બાદ મહિલા મોડલને ગોવામાં, મુંબઈ ખાતે મોડલના ઘરે અને વડોદરામાં હોટેલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલુંજ નહીં આ મહાઠગે મહિલા મોડલના વિવિધ બેંકના ATM કાર્ડમાંથી 3.50 લાખ પણ વાપરી નાખ્યા.
મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહાઠગ વિરાજ પટેલ ગઈકાલે મોડલ સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા, તે સમયે અન્ય લોકો સાથે માથાકુટ કરી લોકોને અને પોલીસને CMOના અધિકારી તરીકેની ઓળખ આપી હતી.પોલીસે તપાસ કરતાં મહાઠગ પોતાનું બોગસ પાનકાર્ડ પણ બનાવ્યું હોવાનું સામે આવ્યુ હતું, જેમાં વિરાજ પટેલના બદલે વિરાજ શાહ નામનું પાનકાર્ડ બનાવ્યું .પોલીસે અલગ અલગ બે ફરિયાદ દાખલ કરી આરોપીને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.