Chhota Udepur : આદિવાસીઓનાં ઘરની દિવાલો પર જોવા મળતી અનોખી પ્રતિકૃતિ "બાબા પીઠોરા"
Chhota Udepur : આજે નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day 2023 ) ત્યારે આજે આપણે વાત કરીશું બાબા પીઠોરા પ્રતિકૃતિ ની કે જે આદિવાસી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આદિવાસી લોકકલા બાબા પીઠોરાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા બદલ છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે રહેતા પરેશભાઈ રાઠવા ને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. જેઓને ગત વર્ષે, 2023 માં મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો.
ઘરની અંદર બહારની તરફ ત્રણ દિવાલો પર દોરવામાં આવે
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા પરેશ ભાઈએ જણાવેલ કે તેમને બનાવેલ પ્રતિકૃતિ દેશ વિદેશમાં પણ છે. તેમજ અનેક સરકારી કચેરીમાં પણ મૂકવામાં આવ્યા છે. આદિવાસી સમાજના લોકો સુખ શાંતી અને સમૃધ્ધિ થાય તે માટે તે માટે બાબા પીઠોરા લખાવતા હોઈ છે. અહીં નાં આદિવાસીઓ બાબા પીઠોરા તેમના ઘરની અંદર બહારની તરફ ત્રણ દિવાલો પર દોરવામાં આવે છે. બાબા પીઠોરા તેમના જીવનમાં આગવું મહત્વ ધરાવે છે.
જીવસૃષ્ટી ની કલ્પના અશક્ય
આ સાથે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના આગેવાન વાલસિંગભાઈ રાઠવા વધુ જાણકારી આપતાં જણાવે છે કે આદિવાસીઓ સાક્ષાત દેવોનું પૂજન કરવામાં માને છે. જેવા કે ધરતી માતા, આકાશ, પવન, પાણી અગ્નિ સહિત પ્રાકૃતિક દેવો સૂર્ય -ચંદ્ર, તારા મેઘ, નદી નાળા, કુવા-વાવડી, ડુંગરો પહાડો,ઝાડ-બીડ, અનાજ -ધાન્ય જેવા દેવો કે જેના વગર જીવસૃષ્ટી ની કલ્પના અશક્ય છે, આ બધા જ તત્વો ને બાબા પીઠોરા રૂપી પ્રતિકૃતિ માં આવરી લેવામાં આવે છે અને બાબા પીઠોરામાં આદીવાસીઓનું સંપૂર્ણ જીવન કથન વણાયેલું જોવા મળે છે.
જાણકાર સિવાય કોઈ વાંચી શકતું નથી
બાબા પીઠોરા એ આદિવાસીઓ માટે કોઈ ચિત્ર માત્ર નથી, પરંતુ સૃષ્ટિ ના સર્જન બાદ પહેલી વાર તેમની આગવી પરિભાષામાં લખવામાં આવેલ એક બેનમૂન લેખ છે, જેને ગાંયણુ કરનારા બડવા (જ્ઞાની) કે બાબા પીઠોરા દેવ લખનારા સહિત બાબા પીઠોરા દેવના જાણકાર સિવાય કોઈ વાંચી શકતું નથી.
સૂર્ય અને ચંદ્રને પણ દર્શાવવામાં આવે
છોટાઉદેપુર નજીક આવેલા કોરાજ (તેજગઢ) નાં ડુંગર પર લખવામાં આવેલ બાબા પીઠોરા ને ભારતીય પુરાતત્ત્વ વિભાગએ સાડા બાર હજાર વર્ષ પહેલાં ની પ્રતિકૃતિ હોવાનું પ્રમાણપત્ર આપેલ છે, આમ બાબા પીઠોરા એ આદિવાસીઓ માટે સાક્ષાત દેવોનું રૂપ છે. જેમાં માનવ જીવન સહીત પૃથ્વી પરના તમામ જીવો ને સ્થાન આપવામાં આવ્યું છે. અને દરેક લખાણ સાથે એક ફિલોસોફી જોડાયેલી છે. પીઠોરામાં રાત અને દીવસના પ્રતીક રૃપે સૂર્ય અને ચંદ્રને પણ દર્શાવવામાં આવે છે.
વન વર્ણન ચિત્રો વડે દર્શાવવામાં આવે
બાબા પીઠોરા ના લખાણ માં જીવતા જાગતા સૂર્ય ચંદ્રને દોરવામાં આવે છે. સૂર્યની નીચે દીવસ દરમિયાન થતી પ્રવૃત્તીઓનું વર્ણન જોવા મળે છે. જ્યારે ચંદ્ર તરફ રાત્રી દરમીયાન થતી પ્રવૃત્તીનું વર્ણન જોવા મળે છે.આમ આ પીઠોરા ચિત્રમાં આદીવાસી સમુદાયનું બેનમૂન જીવન વર્ણન ચિત્રો વડે દર્શાવવામાં આવે છે. પીઠોરા દેવની કોઈ મૂર્તી નથી હોતી, તેનું માત્ર દીવાલ પર ચીત્રરૂપી લખાણ લખવામાં આવે છે. પીઠોરા એક લિપિ છે. આ પીઠોરા દેવ દરેક આદિવાસીઓ આસ્થાભેર પોતાના ઘરમાં લખાવે છે.
પીઠોરા દેવને લખવામાં આવે છે
બાબા પીઠોરા લખાવવા પાછળનો હેતુ સુખ, શાંતી અને સમૃધ્ધી મળે તે માટે જ પીઠોરા દેવને લખવામાં આવે છે. પીઠોરા ચિત્રમાં દોરવામાં આવતા દરેક ચિત્ર પાછળ એક રહસ્ય છે. આ ચિત્રમાં સમગ્ર સૃષ્ટીનું ચિત્રણ કરવામાં આવે છે. સૂર્ય દેવ તરફ જળ જંગલ જમીનની સાથે દીવસ દરમીયાન કરવામાં આવતી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે.
પીઠોરાદેવને શ્રધ્ધાપૂર્વક આવકાર
જ્યારે ચંદ્ર દેવ તરફ રાત્રી દરમીયાન કરવામાં આવતી તમામ ક્રીયાઓને દર્શાવવામાં આવે છે. આ બધા ચિત્રો લખારા દ્વારા લખવામાં આવે છે. પીઠોરા જ્યારે લખાતા હોય છે ત્યારે આદીવાસીઓ દેવના આગમનને વધાવવા ગાન કરતાં હોય છે. સાથે સાથે આદિવાસી ઢોલ વગાડીને નાચગાન કરીને પીઠોરાદેવને શ્રધ્ધાપૂર્વક આવકારે છે. ત્યારબાદ પુંજરા દ્વારા તેની પૂજા કરવામાં આવે છે.
સુખ -શાંતી અને બરકત (સમૃદ્ધિ )પ્રાપ્ત થાય
પીઠોરામાં નાના જીવ એવા કીડી થી લઈને મોટા જીવ એવા હાથીના ચિત્રને પણ દર્શાવવામાં આવે છે. આદિવાસી સમાજ પીઠોરા લખાવવાથી ઘર માં સુખ -શાંતી અને બરકત (સમૃદ્ધિ )પ્રાપ્ત થાય તેવી માન્યતા માને છે અને તેનું આસ્થાભેર ધામધૂમથી ઘરમાં લખાવવાની વિધિ કરવામાં આવે છે.
અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો -- Ek Pad Main Ke Naam : આજે ઈડરમાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું વાવેતર