CHHOTA UDEPUR : ઢોલ-નગારા અને સરઘસ કાઢીને ઘેલવાંટ ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું
અહેવાલ - તોફીક શેખ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ ઘેલવાંટ ગ્રામ પંચાયતના જૂથ ગ્રામ પંચાયત ભવન અને તલાટી કમ મંત્રી નિવાસનું આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૨૨-૨૩ના મનરેગા હેઠળ કૂલ ૧૬ લાખ...
અહેવાલ - તોફીક શેખ
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ ઘેલવાંટ ગ્રામ પંચાયતના જૂથ ગ્રામ પંચાયત ભવન અને તલાટી કમ મંત્રી નિવાસનું આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૨૨-૨૩ના મનરેગા હેઠળ કૂલ ૧૬ લાખ ૨૮ હજારની મંજુર થયેલી રકમના ખર્ચે આ મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે.
ઘેલવાંટ ગ્રામ પંચાયતના નવા બનેલા આ મકાનમાં ઈલેક્ટ્રીફીકેશન, કોમ્પ્યુટર ઈંસ્ટોલેશન, વાઈ-ફાઈ, પ્રિન્ટર, સ્કેનર અને ઓફીસ ફર્નિચર આવી તમામ કચેરી માટેની સાધન સામગ્રી સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેથી આવતી કાલથી જ આ બિલ્ડીંગને ઉપયોગમાં લઈ શકાય. આ લોકાર્પણ માટે છોટાઉદેપુર તાલુકા પંચાયત અને ઘેલવાંટ ગ્રામ સભાના સભ્યોએ મળીને રંગે ચંગે બગી વાળો રથ, સૌ મહેમાનો-અધિકારીઓના મસ્તક પર સાફા અને ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને ભવ્ય લોકાર્પણ સમારોહ કર્યો હતો.
આ નિમિતે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસીહ રાઠવાએ જણાવ્યું હતું કે, આપણા જીલ્લામાં ફાયર સ્ટેશન, મેડીકલ કોલેજ, ૩૫૦ બેડની સરકારી હોસ્પિટલ, આંબેડકર ભવન, બિરસામુંડા ભવન બનવાનું છે. આમ, આપણા જીલ્લામાં આવી તમામ સરકારી માળખાકીય સુવિધાઓથી સજ્જ થઈ અને આપણા લોકોનું જીવન ધોરણ બદલાય તેવી સરકાર ની વિભાવના છે. આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિભાવના કેળવી હતી. જે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં સાર્થક થતી જોવા મળે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઘેલવાટ છોટાઉદેપુરની નજીક હોવાથી આ પંચાયત કચેરી ભવિષ્યમાં વોર્ડ ઓફીસ બની શકે છે.
લોકાર્પણ સમારોહમાં જીલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે જણાવ્યું હતું કે, આપણા જીલ્લાની કૂલ ૧૦૧ ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવવાની મંજૂરી આપણને મળેલ છે, અને ૨૫ જેટલી ગ્રામ પંચાયતનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. આવી જ રીતે ગ્રામ પંચાયત ભવનની સાથે તેની નજીકના વિસ્તારમાં ૩૪૫ નવી આંગણવાડી બનાવવા માટે પણ મંજૂરી મેળવેલ છે. આપણા જીલ્લામાં સુગમ પ્રોજેક્ટ શરુ થઈ રહ્યો છે, જેના અંતર્ગત ગ્રામ સભા પાસેથી તેમના ગામ નજીકના અંતરિયાળ રસ્તાઓ બનાવવાની યોજના છે. જે અંતર્ગત જીલ્લા પંચાયતને ૧૦૭ દરખાસ્તો મળી છે, જેનો સર્વે ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. જીલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર પંચાયતના દરેક સભ્યો અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement