Gondal: પટેલ વોટ આપે પછી નોટ આપે ..., પાટીદાર યુવકને માર મારવા મામલે ભાજપનાં નેતાએ કર્યો કટાક્ષ
- ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો મામલો
- ભાજપનાં નેતા વરૂણ પટેલે ટ્વીટ કરી પોલીસ પર કર્યો કટાક્ષ
- પાટીદાર યુવકને મર મારવા મામલે રજૂઆત
ગોંડલમાં થોડા સમય પહેલા રાજકુમાર જાટનાં મોતને લઈ રાજકીય નેતાઓ દ્વારા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ગત રોજ ગોંડલનાં કોલેજ ક્રાંતિ સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં ત્રણ શખ્સો દ્વારા પાટીદાર સગીર યુવકને માર મારતા સગીર યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ ગોંડલનાં આગેવાન દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગોંડલને ગુજરાતનું મિરજાપુર ગણાવ્યું હતું.
ભાજપનાં નેતાઓ કોની સામે કર્યો કટાક્ષ
ભાજપનાં આગેવાન પાટીદાર નેતા વરુણ પટેલ દ્વારા પણ સોશિયલ મીડિયા X પોલીસ સામે કટાક્ષ કરી લખ્યું હતું કે, " પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી માર ખાય, અને પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે તેના માટે પ્રવક્તા બને, ગુજરાતનાં અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી? કે ઠોકશાહી? તેમજ ગુજરાતનાં ડીજીપી અને સીએમઓને પણ ટેગ કર્યા છે.
આજે ગોંડલનાં પાટીદાર અગ્રણીએ ગોંડલને મિરજાપુર ગણાવ્યું હતું. પરસોત્તમ પીંપળીયાએ સો. મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ બાબતે પરસોત્તમ પીંપળીયાએ જણાવ્યું હતું કે ગોંડલમાં ગુંડાગીરી જગજાહેર છે. પોલીસની કામગીરીથી અસંતોષ છે. તેમજ છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ બની રહી છે તેને લઈ લખ્યું છે. ગુંડા તત્વોને કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મ નથી હોતો. પોલીસે પણ કોઈની ભલામણ વગર કાર્યવાહી કરવી જોઈએ. ગોંડલમાં એક બાદ એક ઘટનાઓ બની રહી છે. જેનાં કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. પોલીસે દ્વારા કોઈની પણ ભલામણ કે પક્ષા પક્ષી વગર કડક કાર્યવાહી કરવી જોઈએ. રાજકુમાર જાટનાં મોત મામલે પરસોત્તમ પીંપળીયાએ નિવેદન આપ્યું હતું કે, જો મોત અકસ્માતનાં કારણે થયું છે તે સ્પષ્ટ છે. પરંતું જો યુવકને માર મારવામાં આવ્યો હોય તો તેને લઈને પણ પોલીસ કાર્યવાહી કરે તેવી આશા છે.
પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં ગત સાંજે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે ત્રણ શખ્સો દ્વારા ભગવતપરામાં રહેતા સગીરને ધોકા વડે બેરહમ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજું સગીરને માર મારવાની ઘટનાને લઇને રોષે ભરાયેલા પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. સાથે જ રાજકોટ SP તથા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જવા ચીમકી ઉચ્ચારી છે.
સગીરને અજાણ્યા શખ્સે ધોકા વડે બેરહમ માર માર્યો
ગોંડલમાં (Gondal) ગત સાંજે સરાજાહેર એક સગીરને બેરહમ માર મારવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભગવતપરા પટેલવાડી નજીક રહેતા દેવ સાટોડિયા (ઉ.17) ને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે દર્શન મયુર સોલંકી અને એક અજાણ્યા શખ્સે ધોકા વડે માર મારતા દેવને પીઠ તથા હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત દેવને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ મામલે દેવનાં પિતા સમીરભાઈ લક્ષ્મણભાઈ સાટોડિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તેમની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જાનથી મારી નાખવાની ધમકી અને દેવનાં માતા-પિતાને પણ માર માર્યોનો આરોપ કરાયો છે.
પાટીદાર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું
આ મામલે પાટીદાર સમાજનાં આગેવાનો, કાર્યકરો, મહિલા તથા વિવિધ સંસ્થાઓનાં હોદ્દેદારો વિશાળ સંખ્યામાં એકઠા થઇ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સાથે જ રાજકોટ SP તથા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જઇ ઊગ્ર રજૂઆતની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કહ્યું - 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભરવાડ સમાજ..!