DAHOD : પોલીસે ચાલુ બાઈક ઉપર દંડો મારતા બુટલેગર પટકાયો, મોત નીપજતાં પોલીસ મથકે હોબાળો
અહેવાલ - સાબિર ભાભોર
દાહોદના ચોસાલા રોડ ખાતે બુટલેગરને પકડવા જતાં પટકાયેલા બે પૈકી એકનું મોત થતાં પરિવારજનોએ આક્રોશ સાથે મૃતદેહને પોલીસ મથક આગળ મૂકી હોબાળો મચાવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.
પોલીસે ચાલુ બાઈકે ડંડો મારતા નીચે પટકાયો યુવક
દાહોદના રૂરલ પોલીસ મથકની હદમાં ચોસાલા રોડ ઉપર બે બુટલેગરો બાઈક ઉપર દારૂનો જથ્થો લઈને જતાં હતા તે દરમિયાન પોલીસ તેમને પકડવા માટે પાછળ દોડી હતી પરંતુ તે લોકો ન રોકાતા પોલીસે ચાલુ બાઈકે ડંડો માર્યો હતો જેને પગલે બંને યુવકો પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાઓ પહોચતા બંન્ને ને સારવાર અર્થે ખસેડાયા હતા.
કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઇ
જ્યાં નિતિન નામના યુવકનું મોત નીપજયું હતું જ્યારે પ્રિન્સ નામના યુવકને સારવાર હેઠળ ખસેડાયો હતો. બનાવને પગલે સાંસી સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો મૃતદેહને રૂરલ પોલીસ મથકના પટાંગણમાં મૂકી પોલીસકર્મી નિતેશ ડામોરને હાજર કરો અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસે સ્થિતિ કાબુમાં લેવા કરવો પડયો હળવો લાઠીચાર્જ
બનાવને પગલે એએસપી કે સિધ્ધાર્થ, એએસપી બિશાખા જૈન તેમજ પરિસ્થિતી વધુ વણસે નહીં તે માટે દાહોદ એલસીબી એસઑજી તેમજ નજીક ના પોલીસ મથકો માથી પોલીસ કાફલો રૂરલ પોલીસ મથકે દોડી આવ્યો હતો. તે દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાંમાથી છૂટા પથ્થરો ફેકતા પોલીસની એક ગાડીનો કાચ તેમજ બારીના કાચ પણ તૂટી ગયા હતા. ટોળાંને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતી ઉપર કાબૂ મેળવ્યો હતો. સમાજના આગેવાનો સાથે એએસપીએ ચર્ચા કરી પ્રાથમીક અકસ્માત અન્વયે ગુનો નોધી મૃતદેહને પોર્સ્ટમોર્ટ્મ અર્થે મોકલી પીએમ રિપોર્ટના આધારે કસૂરવારો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો - અમદાવાદમાં નબીરાઓ બેફામ, જાહેર રોડની વચ્ચે ફટાકડા ફોડતો વિડીયો વાયરલ