Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું, મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ

અહેવાલ - સંજય જોશી માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલથી લાખોની સંખ્યામાં માનવમહેરામણ માં ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને...
અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું  મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ

અહેવાલ - સંજય જોશી

Advertisement

માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલથી લાખોની સંખ્યામાં માનવમહેરામણ માં ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે..... બોલમાડી...... અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે.

Advertisement

શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિનિકુંભનો માહોલ સર્જાયો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે તો માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે, માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે.

Advertisement

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે.

રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ રહી છે અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા ને રોમાંચકતાનો અનુભવ કરી મંદિર પરિસરમાં કરવામાં આવેલી ઝગમગતી વ્યવસ્થા બદલ વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.