Ahmedabad: ડૉ.વૈશાલી જોશી આપઘાત કેસમાં ફરાર PI બી.કે.ખાચર આગોતરા જામીન માટે હાઈકોર્ટનાં શરણે
Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અધિકારી બીકે ખાચર સામે 14 માર્ચ, 2024 ના રોજ ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે 32 વર્ષીય ડોક્ટરને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગુનો IPC 306 અંતર્ગત નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, ત્યારબાદથી આ પોલીસ અધિકારી ફરાર છે. આ અધિકારીએ આગોતરા જામીન મેળવવા 16 માર્ચે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (Ahmedabad City Civil and Sessions Court)માં એડવોકેટ એસ.વી ઠક્કર મારફતે અરજી દાખલ કરી છે. જે અરજી ઉપર 14 મે ના રોજ ચુકાદો આપતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી દીધા હતા. ત્યારે હવે બી.કે.ખાચર આગોતરા જામીન અરજી લઈને હાઇકોર્ટ પહોંચ્યા છે.
સુસાઇડ નોટમાં બી.કે. ખાચરનું નામ હતું
મૃતક 32 વર્ષીય મહિલા ડોક્ટર મૂળ મહીસાગરના હતા. જે અમદાવાદ (Ahmedabad)ના સેટેલાઈટમાં PG માં રહીને નવાવાડજ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેમને 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે જઈને બાંકડા ઉપર બેસીને જાતે જ પગે ઇન્જેક્શન આપીને આપઘાત કરી લીધો હતો. તેમ જ સુસાઇડ નોટ મૂકી હતી. નોંધનીય છે કે, આ સુસાઇડ નોટમાં બી.કે. ખાચરનું નામ હતું. મૃતકની મોટી બહેને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે 14 માર્ચ, 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી બી.કે.ખાચર સાથે ફરિયાદીની બહેનને પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધ પોલીસ અધિકારીએ તોડી નાખતા તે માનસિક તણાવમાં રહેતી હતી. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી
ઉલ્લેખનીય છે કે, મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદથી પોલીસ PI ખાચરને હજી સુધી પકડી શકી નથી. આ કેસમાં હજુ તપાસ ચાલું છે. પોલીસ સમક્ષ આરોપી હાજર થતો નથી. જેથી તપાસમાં મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે એડવોકેટ હિમાનીશ જાપી મારફતે બી.કે.ખાચરે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે. નોંધનીય છે કે, આવતીકાલે જજ એમ.આર. મેંગડેની કોર્ટમાં રજૂ થશે.