Ahmedabad: નવું સિમ કાર્ડ ખરીદતા પહેલા ચેતજો, નહીં તો ક્યાંક આરોપી તરીકે નામ નોંધાઈ જશે
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક નવું રેકેટ પકડી પાડ્યું
- પોલીસે ચાર લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી
- આરોપીઓ પાસેથી 49 જેટલા સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા
Ahmedabad: નવા સિમ કાર્ડ લેવા માટે અત્યારે હોડ જામી છે. પરંતુ આ બાબતે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. બાકી તમે ગેરકાયદેસરનો શિકાર બની શકો છે. જી હા, તમે સાચું સાંભળ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)એ એક એવું રેકેટ પકડી પાડ્યું છે કે જેમાં નવા સિમ કાર્ડની ખરીદી કરી લોકો ક્રિકેટ સટ્ટા કે માર્કેટિંગના રેકેટનો હિસ્સો બની જાય છે અને તેમના પ્રૂફ પર એક્ટિવ થયેલા મોબાઈલ નંબરની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી સામે આવે છે. સિમ કાર્ડ ખરીદી કરનારની જાણ બહાર જ તેમના આધાર પુરાવાઓ થકી અન્ય એક મોબાઈલ નંબર પણ એક્ટિવ થઈ જાય છે. જેને ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ કરવામાં આવે છે. જુઓ શું છે સમગ્ર રેકેટ અને કઈ રીતે ચાલી રહ્યું છે આ રેકેટ...
આ પણ વાંચો: Bhuj: ગળે ફાંસો ખાઈ શિક્ષિકાઓ પોતાની જીવનલીલા સંકેલી, જાણો શું હતું કારણ...
પોલીસે ગેરકાયદેસર થતું સિમ કાર્ડ વેચાણનું મોટું કૌભાંડ પકડ્યું
આધુનિક યુગમાં કોઈપણ વસ્તુની ખરીદી સામે વિક્ર્તાઓ વસ્તુ ખરીદનારના આધાર પુરાવા માંગતા હોય છે જેના થકી વસ્તુ ખરીદનાર વ્યક્તિ યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવતી હોય છે, પરંતુ તમે એવું ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે આપણા દ્વારા વિક્રેતાઓને આપવામાં આવતા આધાર પુરાવાઓ અન્ય પ્રવૃત્તિઓમાં પણ વપરાતા હશે અને આવો જ એક કિસ્સો અમદાવાદ (Ahmedabad)માં સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ વેચાણનું મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ સિમ કાર્ડની ખરીદી કરવા આવતો હતો તે સિમ કાર્ડની સામે જે તે વ્યક્તિના આધાર પુરાવા મેળવવામાં આવતા હતા. તેમજ તેમના ઓનલાઈન ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ થી પુરાવાઓ એકત્ર કરી સિમ કાર્ડ એક્ટિવ થતું હતું. જોકે વિક્રેતાઓ દ્વારા એક સિમ કાર્ડ નહીં પરંતુ બે સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા. જેમાં એક સિમ કાર્ડ કે જે ખરીદનારને આપવામાં આવતું હતું અને બીજું સિમ કાર્ડ કે જે ખરીદનારની જાણ બહાર જ એક્ટિવ થઈ જતું હતું અને તેને ગેરકાયદેસર પ્રવૃતિમાં કોઈપણ આધાર પુરા વગર વેચવામાં આવતું હતું.
આ પણ વાંચો: Ahmedabad: સગીર બાળકો કરી રહ્યા છે દારૂની હેરાફેરી, બોડકદેવ પોલીસે એક છોકરાની કરી ધરપકડ
શહેરમાંથી મોટા સિમ કાર્ડ રેકેટનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ને કૌભાંડની જાણ થતા ફરિયાદના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગેરકાયદેસર સીમ વેચનાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરનાર મહમદ તલહા ઉર્ફે કબીર મિર્ઝા, કયુમ ઉર્ફે ભૂરા રાઠોડ, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય નામના ચાર લોકોની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓમાંથી કયુમ ઉર્ફે ભૂરો શાહપુર ચાર રસ્તા અને અજય રાવળ વસ્ત્રાલની નિરાંત ચોકડી પાસે ફૂટપાથ પર છત્રી લગાવી એરટેલ કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરતા હતા. આરોપી કયુમ અને અજય સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકો પાસેથી આધાર પુરાવા લેતો હતો તેમજ ઓનલાઇન પ્રક્રિયા સમયે બે વખત ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ઇમ્પ્રેશનની પ્રક્રિયા કરાવતો હતો. જેના દ્વારા તે બે અલગ અલગ સિમ કાર્ડ એક્ટિવ કરતો હતો. જેમાંથી એક સિમ કાર્ડ ગ્રાહકને આપતો હતો તેમજ અન્ય સિમ કાર્ડનું વેચાણ અન્ય આરોપીઓને કરતો હતો.
આ પણ વાંચો: Ahmedabad: ‘15 ઓગસ્ટ હું બ્લાસ્ટ કરીશ’ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન
આ સિમ આરોપીઓને ઊંચા ભાવે વેચવામાં આવતા
સિમ કાર્ડ લેવા આવેલા ગ્રાહકના નામ પર એક્ટિવ થયેલું બીજું સિમ કાર્ડ આરોપી કયુમ ઉર્ફે ભૂરો અને અજય દ્વારા જયેશને 300 રૂપિયામાં વેચવામાં આવતું હતું. જે બાદ આરોપી જયેશ દ્વારા મહમદ તલ્હાને 300 માં લીધેલું સિમ કાર્ડ 800 રૂપિયામાં વેચવામાં આવતું હતું. આરોપી મોહમ્મદ તલ્હા ઉર્ફે કબીર મિર્ઝા છેલ્લા ત્રણેક મહિનાથી ટેલિગ્રામ ગ્રુપ મારફતે પ્રિ-એક્ટિવ થયેલા સિમ કાર્ડની જથ્થાબંધ ખરીદી કરી તેને પોતાના મોબાઈલ ફોનથી સિમ કાર્ડ એક્ટિવ છે કે કેમ તેની ખાતરી કરી એક્ટિવ થયેલા સિમ કાર્ડને ગેરકાયદેસર રીતે માર્કેટિંગ અને સટ્ટા બેટિંગ કરતાં વ્યક્તિઓને કોઈપણ આધાર પુરાવા વગર ઉંચી કિંમતે વેચાણ કરતો હતો. આરોપી મોહમ્મદ તલ્હા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને અંદાજિત રૂપિયા 1600 થી 2200 સુધીમાં સિમ કાર્ડનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
એક હજાર સિમ કાર્ડ બન્યા હોવાનો પોલીસને અંદાજ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી 49 જેટલા સિમ કાર્ડ કબજે કરી તેની તપાસ શરૂ કરી છે. પોલીસને અંદાજો છે કે, આ ચારેય આરોપીઓ ભેગા થઈને એક હજારથી વધુ સિમ કાર્ડનું ગેરકાયદેસર વેચાણ કર્યું હોઈ શકે છે જેને લઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ તેમજ ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ ખરીદનાર લોકો કોણ છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ
આ પણ વાંચો: GSRTC: તહેવારને ધ્યાનમાં લઇ મહત્વનો નિર્ણય, 11,700 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે