દેવભૂમિ દ્વારકામાં ફરી તાજો થયો 5 હજાર વર્ષ જૂનો ઈતિહાસ, એકસાથે 37 હજાર આહીરાણીઓ રમી રમણીય મહારાસ
દ્વારકા એટલે ગુજરાતની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર. કૃષ્ણનગરી દ્વારકા ખાતે આજે દેશભરની આહીરાણીઓ દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની આ પાવન ધરા ખાતે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. 23 અને 24 ડિસેમ્બરે કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા નંદધામ પરિસરમાં 1.50 લાખથી વધુ આહિર સમુદાયની ઉપસ્થિતિમાં 37000 જેટલી આહિરાણી દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 વીઘા ગ્રાઉન્ડમાં 62 લેયર વાળા ગોળ રાઉન્ડમાં 37000 ઉપરાંત બહેનો એક સાથે પરંપરાગત કપડા પહેરી રાસ રમી હતી.
ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધૂ, બાણાસુરના પુત્રી અને પુત્ર અનિરૂદ્ધની પત્ની ઉષા રાસ રમ્યા હતા, તેમની સ્મૃતિરૂપે યાત્રાધામના આંગણે આ ઉત્સવ ઉજવાયો હતો. યાદવકુળના 37 હજાર આહિરાણીઓએ પરંપરાગત રીતે રાસ રચીને ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યો હતો.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના દ્વારા આયોજિત આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જુદા જુદા 24 જિલ્લાઓની આહીરાણીઓ આ મહારાસમાં જલ લઈ આવી હતી અને રાસ કરી સમાજના વાડા ભેદને દૂર કર્યો હતો.
મહારાસ પૂર્વે આહીરાણીઓ દ્વારા શ્રીકૃષ્ણ તથા દૈવીતત્વોનું આહ્વાન કરાયું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો છે જે એક વિશ્વરેકોર્ડ બન્યો છે.
આ પણ વાંચો -- સુરતમાં BRTS બસે સર્જેલા અકસ્માતના આંકડા આવ્યા સામે, 54 અકસ્માતમાં 18 નિર્દોષોએ ગુમાવ્યા જીવ