Umiyadham: ખેડાના કપડવંજમાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 15,000 લોકોનું ઘોડાપૂર ઉમટ્યું
World Umiyadham, Kapdvanj: ખેડામા કપડવંજમાં વિશ્વઉમિયાધામનું મહાસંમેલન યોજાયું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો હોજર રહ્યાં હતાં. મહા સંમેલનમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું પાટીદારોએ મને ઘણું આપ્યું છે. PM નરેન્દ્ર મોદીની જેમ ગુજરાતના દરેક યુવાનમાં રાષ્ટ્રચેતના જાગૃત કરવાની છે તેઓ આર પી પટેલે જણાવ્યું હતું. જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની "નવમી અજાયબી" સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે.
સર્વે સમાજના 15 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા
આ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા - એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે. ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે માટે વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી ખેડા જિલ્લામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - ખેડા જીલ્લા સંગઠન દ્વારા કપડવંજમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વે સમાજના 15 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા.
વિશ્વઉમિયાધામ મંદિરએ સનાતન ધર્મનું પ્રતિકઃ કેન્દ્રીય મંત્રી
મહત્વનું છે કે આ મહાસંમેલનના અધ્યક્ષ તરીકે વિશ્વ ઉમિયાધામ (Umiyadham)ના પ્રમુખ શ્રી આર.પી.પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને કપડવંજના ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડાના મહાસંમેલન અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે વિશ્વઉમિયાધામ મંદિરએ આધ્યાતિમકતા સાથે રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર બનશે. અહીં ન માત્ર પાટીદારો પરંતુ સર્વ સમાજની આસ્થાનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી રીતે રાષ્ટ્રચેતના ઉજાગર કરી કામ કરી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતના યુવાનોએ પણ પોતાનામાં રાષ્ટ્રચેતના જાગૃત કરી કામ કરવું જોઈએ. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલની પ્રતિમા અને પ્રતિભા રાષ્ટ્ર જ નહીં વિશ્વભરમાં ઉજાગર કરી છે.
આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
વિશ્વઉમિયાધામના મહાસંમેલનમાં પધારેલા કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે કહ્યું કે પાટીદાર સમાજે મને ઘણું બધું આપ્યું છે. હું આ સમાજ પાસે કંઈ માગવા નથી આવ્યો છતા મને ઘણું બધું આપે છે. વિશ્વઉમિયાધામ મંદિરએ સનાતન ધર્મનું પ્રતિક બની રહેશે. પ્રભુ શ્રી રામના મંદિર બાદ વિશ્વઉમિયાધામ વિશ્વભરમાં ભારતની અને સનાતન ધર્મની ઓળખ પ્રસ્થાપિત કરશે.