Ahmedabad: જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરા અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું
Ahmedabad: અમદાવાદમાં થોડા સમયથી આત્મહત્યાના બનાવો ખુબ જ વધી રહ્યો છે. લોકોમાં સહનશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. (Ahmedabad) શહેરના જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, જોધપુર વિસ્તારમાં રત્નમણી કોમ્પલેક્ષમાં આ ઘટના બનવા પામી છે. મળતી માહિતી પ્રમાણે માનસી પરમાર નામની યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
8માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે માનસી પરમાર નામની સગીરાએ 8માં માળેથી સવારના સમયે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેથી આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે, સગીરાએ અગમ્ય કારણોસર 8માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે સેટેલાઈટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જો કે, સગીરાએ શા માટે આત્મહત્યા કરી તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી.
સાબરમતી જેલમાં પણ એક કેદીએ આત્મહત્યા કરી લીધી હતી
નોંધનીય છે કે, બે દિવસ પહેલા અમદાવાદની સાબરમતી જેલમાં પણ એક કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને જેલ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા. જોકે, કેદીએ શા માટે આત્મહત્યા કરી હતી? તે મામલે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. વધુમાં વાત કરવામાં આવે તો તે કેદી પણ હત્યાના ગુનામાં અહીં સજા ભોગવી રહ્યો હતો. પરંતુ સજા ભોગવતા આત્મહત્યા કરી લેતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.