VADODARA : સરકારી દવાખાનામાં સોસાયટીની ગેરકાયદેસર ગટર લાઇન નાખી દેવાઇ
VADODARA : વડોદરા પાસે વાઘોડિયા (VADODARA - WAGHODIA) માં વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે. વાઘોડિયા સરકારી પશુ દવાખાનાના પરિસરમાં ગેરકાયદેસર રીતે સોસાયટી વાળાઓ દ્વારા ગટર લાઇન નાંખી દેવામાં આવી છે. તેઓને આમ કરતા રોકવા છતાં પણ તેઓ કોઇને ગાંઠ્યા ન્હતા. આખરે આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
કોઇ મંજૂરી મળી નથી
વાઘોડિયા પોલીસ મથકમાં ડો. દેવાંગ કુમાર જયંતિભાઇ પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વાઘોડિયા સરકારી દવાખાનામાં બે વર્ષથી પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવે છે. 2, જુનના રોજ રવિવારે રજા હોવાથી તેઓ ઘરે હતા. દરમિયાન પોણા બાર વાગ્યે પશુ નિરીક્ષક નિશીતભાઇ દેસાઇનો તેમના પર ફોન આવ્યો, અને જણાવ્યું કે, પશુ દવાખાનાની પાછળ આવેલી કલ્પચંદ્ર સોસાયટી યુનિટ - 2 ના કેટલાક માણસો દવાખાનાની અંદક કમ્પાઉન્ડમાં ગટર લાઇનનું ખોદકામ કરે છે. જેથી તેમણે જણાવ્યું કે, સરકારી પશુ દવાખાનામાં ગટર લાઇન નાંખવા માટે કોઇ મંજૂરી મળી નથી. જેથી કામ બંધ કરાવો.
જેસીબી મશીન લઇને આવ્યા
બાદમાં તેઓ પશુ દવાખાને આવી પહોંચ્યા હતા. જે્માં દિવાલથી 40 ફૂટ જેટલું ખોદકામ કલ્પચંદ્ર સોસાયટી યુનિટ - 2 ના 10 જેટલા માણસો દ્વારા કરાયું હતું. તેઓ જેસીબી મશીન લઇને આવ્યા હતા. તે પૈકી એક વૈભવ પંચાલ હતો. તમામને ગેરકાયદેસર ગટર લાઇનનું કામ નહી કરવા જણાવ્યું હોવા છતાં તેઓ કામ પૂર્ણ કતરીને જતા રહ્યા હતા. ત્યાર બાદ આ અંગે વાઘોડિયા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને તથા વડી કચેરીએ લેખીત અને ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી. આખરે વાઘોડિયા પોલીસ મથકમાં વૈભવ પંચાલ (રહે. કલ્પચંદ્ર સોસાયટી, વાઘોડિયા) સહિત 10 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : બોગસ સ્પોન્શરશીપ લેટર પકડાવી રૂ. 15 લાખની ઠગાઇ