VADODARA : પીવાલાયક પાણી રોડ પર વહી ગયું, અધિકારી પર સણસણતો આરોપ
VADODARA : વડોદરા (VADODARA) માં જેલ રોડ પર એસએસજી હોસ્પિટલના પાછળના ભાગેથી પસાર થતી પાણીની નલિકામાં ભંગાણ સર્જાતા (WATER LINE LEAKAGE) હજારો લીટર પીવાલાયક પાણી રોડ પર વહી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર દોડી આવ્યા હતા. અને બળાપો ઠાલવતા કહ્યું કે, પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ ખાડે ગયા છે. આ વિભાગની 19 વોર્ડમાં ફરિયાદ આવે છે. પાણીની સમસ્યા ખુબ મોટી અને ગંભીર છે. પાણી વિભાગના અધિકારીઓ કમિશનરને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
અધિકારીઓ પર નિશાન તાક્યું
વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત ઉપલબ્ધ છે. પરંતુ તેના મેનેજમેન્ટનમાં પાલિકા તંત્ર ઉણું ઉતર્યું હોવાનું સૌ કોઇ શહેરવાસીઓ હવે જાણી ચુક્યા છે. ત્યારે ગત મોડી સાંજથી વડોદરાના જેલ રોડ પરથી પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાલાયક પાણી રોડ પર વહી ગયું હતું. જેને લઇને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ વાતને લઇને સ્થાનિક મહિલા કોર્પોરેટરે અધિકારીઓ પર નિશાન તાક્યું હતું.
સમસ્યા ખુબ મોટી અને ગંભીર છે
સ્થાનિક કાઉન્સિર જાગૃતિબેન કાકા જણાવે છે કે, સેન્ટ્રલ જેલની સામે નર્મદા ભુવનના ગેટની બાજુમાં ગઇ કાલ સાંજથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ગઇ કાલે જ જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી છે. પણ તેમણે આંખ આડા કાન કર્યા છે. કમિશનરને ફોન કર્યો, પરંતુ બપોર સુધી કોઇ કામ કરવા માટે આવ્યું નથી. પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ ખાડે ગયા છે. આ વિભાગની 19 વોર્ડમાં ફરિયાદ આવે છે. પાણીની સમસ્યા ખુબ મોટી અને ગંભીર છે. પાણી વિભાગના અધિકારીઓ કમિશનરને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગેટ - 4 સુધી મોટી માત્રામાં પાણી વહી રહ્યું છે. હું સવારે અહિંયા આવી તો છેક કાલાઘોડા સુધી જઇને આવી હતી. તેનો આખો વિડીયો લઇને મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યો છે. આ જગ્યા ખોલે એટલે ખબર પડે કે અંદર કેટલું લીકેજ છે.
આ પણ વાંચો -- VADODARA : BJP કોર્પોરેટર બગડ્યા, કહ્યું “નિર્ણય તમે કરો, પણ અમારી રાય તો લો”