VADOVARA : પાલિકાની કચેરીએ પાણીના ટેન્કરોના આંટાફેરા !
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ની કચેરીમાં પાણીની ટેન્કરના આંટાફેરા મારતા હોય તેવા વિડીયો હાલ સપાટી પર આવવા પામ્યા છે. જેને લઇને અલગ અલગ પ્રકારની ચર્યાઓ વહેતી થઇ છે. આખા શહેરમાં પાણી પહોંચાડવાનો વહીવટ જ્યાંથી સંભાળવામાં આવતો હોય શું ત્યાં પાણીની સુવિધા પૂરતી નથી, એટલે ટેન્કર મંગાવવા પડ્યા છે, આ સવાલ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, હાલમાં પાલિકા દ્વારા નવી ફાયર સિસ્ટમ અપગ્રેડ કરી છે, આ પાણીના ટેન્કર પીવાના ઉપયોગ માટે છે કે પછી ફાયર સિસ્ટમની રીઝર્વ જરૂરીયાત માટે, તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી.
મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું
ચાલુ વર્ષે ઉનાળા દરમિયાન વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઇને અનેક બુમો ઉઠવા પામી હતી. ક્યાંક ગટરનું મિશ્રિત દુર્ગંઘ મારતું પાણી, તો ક્યાંક બિલકુલ પાણી જ નહી, આ પ્રકારની સમસ્યાઓ સમયાંતરે સામે આવી હતી. વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત હોવા છતાં તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું હોવાનું મોટાભાગના શહેરીજનો જાણી ચુક્યા છે. ત્યારે હવે પાલિકાની ખંડેરાવ સ્થિત કચેરીમાં પાણીના ટેન્કરના આંટાફેરા થતા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.
કોઇ સ્પષ્ટતા નથી
તાજેતરમાં પાલિકાની મુખ્ય કચેરી ખાતે પાલિકાના ફાયર વિભાગના પાણીની ટેન્કર જોવા મળ્યા હતા. તેના દ્વારા પાલિકાની ટાંકીમાં પાણી ઠાલવવામાં આવ્યાના વિડીયો હાલ સપાટી પર આવવા પામ્યા છે. આ વિડીયોમાં મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓના કાર પાર્કિંગની જગ્યાએથી ટેન્કરમાંથી પાણીની પાઇપ મારફતે પાણી ટાંકીમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ પાણીનો ઉપયોગ કચેરીમાં પીવા અથવા અન્ય વપરાશ માટે છે, કે પછી તાજેતરમાં લગાડવામાં આવેલી અપગ્રેડેડ ફાયર સિસ્ટમ માટે રીઝર્વ જરૂરીયાત માટે આ અંગે કોઇ સ્પષ્ટતા હાલ તબક્કે સામે આવવા પામી નથી. પરંતુ પાલિકાની કચેરીમાં પાણીના ટેન્કર જોઇને લોકોમાં તરહ તરહની ચર્ચાઓ-સવાલોએ સ્થાન લીધું છે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના પૂર્વ કોર્પોરેટરે લખવું પડ્યું, “શરમ આવવી જોઇએ”