VADODARA : ચૂંટાયેલા હોદ્દેદારો વચ્ચે "સંકલન"નો અભાવ, આંતરિક હુંસાતુસી સામે આવી
VADODARA : ગતરોજ પાલિકાની કચેરીમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સાથે મેયર, ચેરમેન સહિતના અધિકારીઓની મહત્વની મીટીંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના શાસક પક્ષના નેતા અને ડે. મેયરને જાણ કરવામાં આવી ન્હતી. જેને લઇને તેમની નારાજગી સામે આવી હતી. જો કે, ભાજપના જ અલગ અલગ હોદ્દેદારો વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો હોય તેવી આ કોઇ પહેલી ઘટના નથી.
ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી
વડોદરામાં લોકસભાની ચૂંટણી બાદથી ચૂંટાયેલા પ્રતિનિધીઓ વચ્ચે આંતરિક હુંસાતુસી અલગ અલગ પ્રસંગે બહાર આવવા પામી હતી. જો કે, આ ઘટના રોકવાનો કોઇ નક્કર ઉકેલ કાઢી શકાયો નથી. જેની સાબિતી આપતો કિસ્સો ગતરોજ સામે આવ્યો હતો. ગતરોજ પાલિકાની કચેરીમાં સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયા અને મેયર તથા ચેરમેનની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં સયાજીગંજ વિધાનસભામાં આવતા ત્રણ મેજર ડેવલપમેન્ટને લઇને કેયુર રોકડિયા દ્વારા પ્રસ્તાવ મુકી ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
અમને કોઇ જાણ ન્હતી
જો કે, આ બેઠક અંગે શાસક પક્ષના નેતા અને ડે. મેયરને જાણ કરવામાં આવી ન્હતી. અને તે સમયે તેઓ અન્ય કામને લઇને મ્યુનિસિપલ કમિશનર પાસે મળવા જવાના હતા. બાદમાં બંનેને ધારાસભ્ય અને મેયર વચ્ચેની મીટીંગની જાણ થઇ હતી. જે અંગે તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે દંડક શેલૈષ પાટીલે જણાવ્યું કે, ડે. મેયરનો મને ફોન આવ્યો હતો. અને મને હાથીખાના અને ક્લાસીસ સંચાલકોની રજૂઆતને લઇને મ્યુનિસિપલ કમિશનરને મળવાનું છે. કચેરી જઇ જોતા કોન્ફરન્સ હોલમાં મેયર, કમિશનર, ચેરમેન અને ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા હતા. સયાજીગંજ વિધાનસભા વિસ્તારના વિકાસકામોને લઇને બેઠક ચાલી રહી હતી. અમારે માત્ર કમિશનરને મળવાનું હતું. જ્યારે આ રીતે બેઠકો થતી હોય ત્યારે મુખ્ય પદાધિકારીઓને જાણ હોવી જોઇએ. આ અંગે ડે. મેયર ચીરાગ બારોટે જણાવ્યું કે, પાલિકાની મીટીંગ અંગે અમને કોઇ જાણ ન્હતી. અમે મીટીંગમાં ગયા ત્યારે સયાજીગંજ વિધાનસભાના વિકાસકાર્યોની ચર્ચા ચાલી રહી હતી.
આ પણ વાંચો -- VADODARA : વિતેલા 24 કલાકમાં ફાયર વિભાગે 2 કાર શોરૂમ સીલ કર્યા, અનેકને નોટીસ