VADODARA : કોન્ટ્રાક્ટ આધારિત પટાવાળાઓને અન્યાય મામલે વિપક્ષ મેદાને
VADODARA : વડોદરા મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત પટાવાળાઓને અનેકવિધ મુદ્દે અન્યાય થતો હોવાનું સામે આવતા વિપક્ષ મેદાને આવ્યું છે. વિપક્ષના નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનરને પુરાવાસહ પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ નિયમોનો ભંગ કરવા બદલ ઇજારદારને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
મ્યુનિસિપલ કમિશનરને પત્ર
વડોદરા પાલિકામાં 100 જેટલા પટાવાળાઓને કોન્ટ્રાક્ટ આધારિત રાખવામાં આવ્યા છે. તેમની સાથે અનેકવિધ મુદ્દે અન્યાય થતો હોવાનું સામે આવતા વિપક્ષના નેતા અમી રાવત તેમની વ્હારે આવ્યા છે. અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કાર્યવાહી કરવા જણાવ્યું છે.
પગારને પેમેન્ટ સાથે લિંક કરી દે
પાલિકાના વિરોધપક્ષના નેતા અમી રાવત જણાવે છે કે, પાલિકા દ્વારા એજન્સી મારફતે 100 પ્યુટન (પટાવાળા) ને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા છે. જ્યારે ઇજારો આપવાનો હતો, ત્યારે જ તેનો વિરોધ કર્યો હતો. ઓફિસમાં પ્યુનનું કામ મહત્વનું હોય છે. ફાઇલ ક્યાં મુકેલી હોય સહિતની તમામ જાણકારી તેની પાસે હોય છે. અમારી માંગ પ્યુનની રેગ્યુલર ભરતી કરવામાં આવે તેમ હતી. કોન્ટ્રાક્ચ્યુલ લેબરમાં મોટુ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. પહેલા તો તેમના પગાર નથી થતા, ટેન્ડર પ્રમાણે તેમના પગાર 10 - 15 તારીખ વચ્ચે કરવાના હોય છે. પરંતુ તે પગારને પેમેન્ટ સાથે લિંક કરી દે છે, જેને કોઇ નિસ્બત નથી.
બ્લેકલિસ્ટ કરવાની માંગ
વધુમાં જણાવ્યું કે, 20 - 25 તારીખ સુધી તેમનો પગાર નથી થતો. રવિવારની તેમની હકરજા હોય છે, તે દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. તે દિવસે ઓવરટાઇમ કરવો પડે તો પૈસા નથી આવતા. ટેન્ડરનું વાયોલેશન થઇ રહ્યું છે. 100 માંથી માત્ર ત્રણ-ચાર લોકોના પીએફ, ઇએસઆઇના પૈસા ભરાય છે. તમામ પૈસા કોર્પોરેશનમાંથી ક્લેઇમ કરવામાં આવ્યા છે. પ્યુનનો પગાર રૂ. 18 હજાર ક્લેઇમ કરવામાં આવે છે. જો કે, હકીકતે રૂ. 10 - 11 હજારની ચુકવણી કરવામાં આવે છે. ટેન્ડરના નિયમોનો ભંગ થતો હોવાથી અમે પુરાવાસહ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, અને ઇજારદારને ટેન્ડરના નિયમોનો ભંગ બદલ તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો -- VADODARA : ચોખેલાલજી ફરસાણમાંથી બાળ શ્રમિક મુક્ત કરાવાયો