VADODARA : દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામીને પકડવા વડતાલમાં તપાસ
VADODARA : વડોદરા (VADODARA) માં વડતાલ સ્વામીનારાયણ મંદિર (VADTAL SWAMINARAYAN MANDIR) ના તાબામાં આવતા વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામીએ વર્ષ 2016 માં સગીરાને ગિફ્ટ આપવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે તાજેતરમાં વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદથી ફરાર જગત પાવન સ્વામીને પકડવા માટે પોલીસે વડતાલમાં તપાસનો દોર લંબાવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પોલીસે વડતાલ મંદિરના જે રૂમમાં જગત પાવન સ્વામી રહેતા હતા. ત્યાં સઘન તપાસ કરી છે.
જગત પાવન સ્વામી
પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
વડોદરાના વાડી સ્થિત, વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જે પી સ્વામીએ મંદિરે દર્શન માટે આવતા એક પરિવારની સગીર દિકરી સાથે પરિચય કેળવ્યો હતો. તેમણે દિકરીને વર્ષ 2016 માં મંદિરના નીચેના રૂમમાં ગિફ્ટ આપવાના બહાને બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરા જોડે ગંદી ઓનલાઇન માંગણીઓ કરવામાં આવી હતી. આખરે આ મામલે તાજેતરમાં સગીરાએ હિંમત એકત્ર કરીને વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વાડી પોલીસ મથકમાં જગત પાવન દાસ સ્વામી સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રહેતા હતા ત્યાં તપાસ
ત્યાર બાદથી દુષ્કર્મનો આરોપી જગત પાવન સ્વામી ફરાર છે. એસીપી દ્વારા આ મામલે વિવિધ ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં વાડી પોલીસની ટીમ વડતાલ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડતાલ સંત નિવાસમાં જ જગ્યાએ જગત પાવન સ્વામી રહેતા હતા ત્યાં તપાસ કરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા વર્ષોથી મંદિરમાં દર્શન અને આરતી કરવા માટે આવતા ભક્તોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જગત પાવન સ્વામી (જે. પી. સ્વામી) સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે. અને તેઓની ભાળ મેળવવા માટે પોલીસની ટીમો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સંતોના કારસ્તાન સામે આવતા હરિભક્તોએ બાંયો ચઢાવી
વડતાલ સ્વામીનારાયણ મંદિર સાથે સંકળાયેલા સંતોના કારસ્તાન સામે આવતા હવે લંપટ સ્વામીઓ સામે હરિભક્તોએ બાંયો ચઢાવી છે. સંપ્રદાયમાં સ્વામી રૂપી સડો કાઢવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો એકત્ર થઇને આવેદન પત્ર આપવા જનાર છે. આવેદનની સાથે મંદિર પરિસરમાં બેનરો લગાડવાની પણ તૈયારીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિભક્તોનો આરોપ છે કે, સંપ્રદાયને કોર્પોરેટ બનાવી દીધું છે. સુરત, અમદાવાદ, મૂંબઈ, ભાવનગર, ગઢડા, કચ્છ અને જુનાગઢથી હરિભક્તો વિરોધ કરવા વડતાલ પહોંચ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ખનીજ માફીયાઓને છુટ્ટાદોર જેવી સ્થિતી