VADODARA : અંધારામાં ઉભેલો ટ્રક જીવલેણ સાબિત થયો
VADODARA : વડોદરા પાસે હાઇવે (HIGHWAY) પર કોઇ પણ પ્રકારના સાઇનએજ વગર અંધારામાં ઉભેલો ટ્રક અન્ય વાહન માટે જીવલેણ સાબિત થયો છે. અંધારામાં ઉભેલા ટ્રક સાથે દાડમ ભરેલી અન્ય ટ્રક અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને કરજણ પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ટ્રકમાં દાડમ ભરીને તેલાંગણા જવા નિકળ્યા
કરજણ પોલીસ મથકમાં અબ્દુલ ઇબ્રાહિમ મહંમદ કાસમ (રહે. એફસીઆઇ પાછળ, બાપુજી નગર, મિરિયલગુડાતા, નાલગોંડા -તેલાંગણા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. અને હાલ દાડમની સિઝન ચાલતી હોવાથી છેલ્લા એક મહિનાથી ભુજથી તેલાંગણા દાડમ ભરીને લઇ જાય છે. 18 એપ્રિલે સાંજે 4 વાગ્યે ભૂજથી ટ્રકમાં દાડમ ભરીને તેલાંગણાના મિરિયલગોડા ખાતે ખાલી કરવા માટે ડ્રાઇવર સતિષભાઇ કૃષ્ણૈયા મુપ્પાલા નિકળ્યા હતા. દરમિયાન વડોદરા પહેલા આવતા બની રહેલા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર પસાર થઇ રહ્યા હતા. 19 એપ્રિલે, રાત્રે ત્રણ વાગ્યે પાદરા પસાર કરીને માતર ટોલનાકા પર પહોંચતા એક આઇસર ટ્રક અંધારામાં ઉભેલો હતો.
ડ્રાઇવર કેબિન ચગદાઇ ગયું
આ ટ્રકને કોઇ સાઇડ લાઇટ કે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર, બેરીકેટીંગ સિવાય રોડની વચ્ચોવચ ઉભુ રાખવામાં આવ્યું હતું. તેથી દાડમ ભરેલી ટ્રકનો અંધારામાં ઉભેલી ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, દાડમ ભરેલી ટ્રકનું ડ્રાઇવર કેબિન ચગદાઇ ગયું હતું. અને તેમાં બેઠેલા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. સાથે જ તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક સારવાર બાદ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી.
વધુ કાર્યવાહી હાથ ધરાઇ
આખરે અજાણ્યા ટ્રક ચાલક સામે વાહન નંબરના આધારે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ટ્રાફિકના નિયમો તોડનાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી ચાલુ