VADODARA : નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારા તત્વોની હવે ખેર નથી
VADODARA : વડોદરા (VADODARA) માં નંબર પ્લેટ પર છેડછાડ કરનારા તત્વોની હવે ખેર નથી. તાજેતરમાં વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા વાહન પર બિનઅધિકૃત લખાણ, નંબર પ્લેટ પર છેડછાડ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં નિયમોનો ભંગ કરનારા તત્વો દંડાયા છે. આ કાર્યવાહીને પગલે નિયમો તોડનારાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની કામગીરી આવનાર સમયમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.
ટીમો કામે લગાડવામાં આવી
વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા ભારદારી વાહનો હોય કે પછી ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ કે પછી નિયમોનો ભંગ કરીને નંબર પ્લેટ જોડે થતી છેડછાડ, તમામ કિસ્સાઓમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરીને લઇને લોકોમાં પોલીસ તંત્રની વાહવાહ થઇ રહી છે. તાજેતરમાં વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમો કામે લગાડવામાં આવી હતી. આ ટીમો દ્વારા વાહનો પર બિનઅધિકૃત લખાણ સાથે ફરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
122 વાહન ચાલકો સામે કાર્યવાહી
ટ્રાફિક પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારમાં નંબર પ્લેટ વગર ફરતા, નંબર પ્લેટ હોવા છતા તેમાં છેડછાડ કરવી, એસએસઆરપી નંબર પ્લેટ ન હોય, અથવા પ્રભાવ પાડવા માટે વાહનો પર પોલીસ અથવા તો અન્ય વિભાગનો લોગો લગાડવામાં આવ્યો હોય તેવા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિશેષ ડ્રાઇવમાં છેલ્લા ત્રણ દિવસમાં 122 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. સુત્રોએ ઉમેર્યું કે, ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી આવનાર સમયમાં પણ ચાલુ રહેશે. પોલીસની કામગીરીને લઇને નિયમોભંગ કરનારાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : નિયમોને નેવે મુકી ચલાવાતું ફન બ્લાસ્ટ બંધ કરાવાયું