VADODARA : 350 બાળકોને જ્ઞાન સાથે મેળવી જવાબદાર નાગરિક બનવાની તાલીમ
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ તા. ૦૬/૦૬/૨૦૨૪ થી તા. ૧૨/૦૬/૨૦૨૩ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં એસ.પી.સી. કેડેટના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ભાગ લીધો હતો. શિનોરના મોટા ફોફળીયા આવેલી સી. એ. પટેલમાં આ સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જવાબદારીથી માહિતગાર
એસ.પી.સી. ના જિલ્લા નોડલ અધિકારી સી. એન.ચૌધરીની આગેવાની હેઠળ વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ‘સમર કેમ્પ-૨૦૨૪’ યોજવામાં આવ્યો હતો. એસ.પી.સી. અભ્યાસક્રમ તેમજ સમર કેમ્પના સમય પત્રક મુજબ આયોજીત આ કેમ્પમાં કુલ ૭ શાળાના જુનિયર કેડેટ અને સિનિયર કેડેટના ૩૫૦ જેટલા બાળકોને પોલીસ વિભાગની સમાજ પ્રત્યેની જવાબદારીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. અનેકવિધ પ્રવૃત્તિઓ થકી જ્ઞાન, શિસ્ત અને આરોગ્યલક્ષી પ્રાથમિક સમજના પિરસણ સાથે બાળકોને જવાબદાર નાગરિક બનવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
કસરત તથા પરેડ કરાવવામાં આવી
આ કેમ્પમાં શિસ્ત સર્વોપરીની ભાવના કેળવવા સહિત બાળકોને પર્યાવરણનું જતન અને તેનું મહત્વ, ટ્રાફિક અંગે જાગૃતતા, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પ્રાથમિક સમજ, નેતૃત્વના ગુણો વિકસાવવા સહિત પોલીસ વિભાગની સમાજ પ્રત્યેની જવાબદારીઓથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગની જવાબદારી અને કામગીરી મહેસૂસ કરાવવા બાળકોને ખાખી (વર્દી) યુનિફોર્મમાં જ કસરત તથા પરેડ કરાવવામાં આવી હતી.
કામગીરીની સમજ અપાઇ
તદુપરાંત અનેક વિવિધ જન-જાગૃતિ વ્યાખ્યાનોથી બાળકોમાં કાયદો, સુરક્ષા, ગુડ અને બેડ ટચની સમજ, રંગોળી, નૃત્ય, ઝુમ્બા ડાન્સ, ડિઝાસ્ટરની તાલીમ, સ્નેક શો, જાદુગર, વિશિષ્ટ વ્યક્તિનું ઉદબોધનમાં નાયબ પોલીસ અધિકારી હરેશ ચંદુ સાહેબ સાથે વિવિધ પ્રકારની રમતો, ગામની મુલાકાત જેમાં ગ્રામ પંચાયત, સરકારી દવાખાનું, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, તળાવ, નદી, વગેરેની સમજ સાથે કામગીરીની સમજ પણ આપવામાં આવે છે.
જવાબદારીઓ સુપેરે નિભાવી શકે
એસ.પી.સી કેડેટ લોકો પ્રત્યે સન્માનની ભાવના કેળવવા, બાળક સકારાત્મક અને ઉર્જાવાન બને તથા ભવિષ્યનો સારો નાગરીક બનીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવી શકે તેવા હેતુથી સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
ધો. ૮ - ૯ ના વિદ્યાર્થીઓ
સમર કેમ્પ ઇન્ચાર્જ એ.જે.પટેલ, શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ, સુરક્ષા સેવા સોસાયટી વડોદરા ગ્રામ્યના પ્રોજેક્ટ કન્સલટન્ટ જીગર પંચાલ અને નિતેશ પંડ્યા,અને ધો. ૮ અને ધો.૯ ના અંદાજિત ૩૫૦ બાળકો આ કેમ્પમાં સહભાગી બન્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : ફળ-શાકભાજી સાથે ખેડુતે રૂદ્રાક્ષની ખેતીનો પ્રયોગ કર્યો