VADODARA : સિંઘરોટ ગામના રહીશોનો ચક્કાજામ, જાણો કારણ
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સિંઘરોટ ગામના રહીશો દ્વારા રોડ પર ઉતરીને ચક્કાજામ કરવાનો વારો આવ્યો છે. હાલ નજીકમાં આર એન્ડ બી સિટી વિભાગ દ્વારા રોડ બનાવવાની જાહેરાત કરતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યા બાદ પણ ગામસિવાયના લોકો દ્વારા રોડનો ઉપયોગ થતો હોવાના કારણે આજે સ્થાનિકોએ ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ તકે સ્થાનિકો દ્વારા પોલીસ પણ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
રસ્તો બંધ કરીને ચક્કાજામ
આર એન્ડ બી વિભાગ દ્વારા ગોત્રીથી સિંઘરોટ સુધી રોડ બનાવવા માટે રૂ. 25 કરોડના ખર્ચે રાજેશ કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપ્યું છે. આ કામગીરીને લઇને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. છતાં સિંઘરોટ સિવાયના લોકો રોડનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે સિંઘરોટના રહીશો દ્વારા રોડ બનાવવાની કામગીરી દરમિયાન રસ્તો બંધ કરીને ચક્કાજામ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા ભીમપુરા અને સિંઘરોટ પુલ ચોકડી પાસે રોડ બંધ કરી દેતા સ્થાનિકોની મુશ્કેલી વધવા પામી છે.
પોલીસ જવાનો પર આરોપ
ઉપરોક્ત રોડ સિંઘરોટ ગામના લોકો માટે ખઉલ્લો મુકવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. પરંતુ તેને બંધ રાખવામાં આવતા લોકો પરેશાન થયા છે. આખરે સબરનો બંધ તુટતા આ વાતનો વિરોધ કરવા માટે ચક્કાજામ કરવામાં આવ્યો છે. સાથે જ બંદોબસ્તમાં મુકાયેલા પોલીસ જવાનો દ્વારા જાહેરનામાનું યોગ્ય પાલન કરાવવામાં ન આવતું હોવાનો આરોપ પણ સ્થાનિકો દ્વારા મુકવામાં આવ્યો છે.
આખરે ચક્કાજામનો રસ્તે જવું પડ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા પોતાની સમસ્યાને ઉજાગર કરવા માટે ચક્કાજામનો રસ્તો પસંદ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું. તંત્ર ગ્રામજનોની સમસ્યા દુર કરવામાં કેટલી ત્વરિતતા બતાવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો -- Gujarat છે કંઈ પણ થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું