Vadodara : હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી, 9 માસૂમના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
વડોદરામાંથી (Vadodara) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં (Harani Lake) વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ અચાનક ડૂબી હતી. આથી બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો તળાવમાં ગરકાવ થયો છે. આ દુર્ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. માહિતી મુજબ, અત્યાર સુધી 9 માસૂમોની મોત થઈ હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
મૃતકોના નામ
સકીના શેખ
મુવાયઝા શેખ
અબીસ્બા કોઠારી
ઝહાળીયા સુબેદાર
વિશ્વા નિઝામા
નેન્સી માછી
આયેશા ખલીફા
રૂબાયત મન્સુરી
રેહાન ખલીફા
વડોદરામાં (Vadodara) આજે એટલે કે ગુરુવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. વાઘોડિયા રોડ ખાતે આવેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે પિકનિક મનાવવા માટે હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન સ્કૂલના 23 વિદ્યાર્થીઓ સહિત 4 શિક્ષકો બોટમાં સવાર થયા હતા. દરમિયાન, વિદ્યાર્થીઓથી ભરેલી આ હોડી અચાનક પલટી ખાઈ હતી અને આ દુર્ઘટનામાં બોટમાં સવાર લોકોનો પાણીમાં ગરકાવ થયો હતો. આ દુર્ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું ભેગું થયું હતું. ફાયર બ્રિગેડને (Fire Brigade) આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડે 5 વિદ્યાર્થીઓને બચાવી લીધા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહી છે. કેટલાક વિદ્યાર્થી હાલ પણ લાપતા છે. માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 9 વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડ ખાતે આવેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલના હતા જે શિક્ષકો સાથે પિકનિક મનાવવા માટે આવ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.
16ની ક્ષમતા સામે 25 લોકોને બોટમાં બેસાડ્યા હતા
વડોદરાની (Vadodara) દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. 16 લોકોની ક્ષમતા સામે 30થી વધુ લોકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. બોટમાં સવાર લોકોને લાઇફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા નહોતા, એવું જાણવા મળ્યું છે. ભોગ બનનારા વિદ્યાર્થીઓના પરિવારજનો હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શિક્ષકોએ વધુ લોકોને બેસાડવાની ના પાડી હતી
માહિતી મુજબ, આ દુર્ઘટનમાં 15 થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. માહિતી મુજબ, આ બોટમાં ક્ષમતાથી વધુ લોકોને બેસાડ્યા હોવાથી દુર્ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ સાથેના શિક્ષકોએ બોટમાં ક્ષમતાથી વધારે લોકોને બેસાડવાની મનાઈ કરી હતી. પરંતુ, બોટ રાઇડરે શિક્ષકોના આગ્રહને ગણકાર્યો નહોતો.
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વિટ :
આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને લખ્યું કે, 'વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.' માહિતી મુજબ, સીએમ ભુપેન્દ્ર પટેલ સ્થાનિક તંત્ર ના સતત સંપર્કમાં છે અને વડોદરા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા ખાતે પહોંચવાના છે.
શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાનું નિવેદન:
આ મામલે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ પણ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, અમે કાર્યક્રમમાં હતા ત્યારે અમને આ ઘટના અંગે જાણ થઈ. અમે તાત્કાલિક વડોદરા શિક્ષણાધિકારી સાથે વાતચીત કરી આ અંગે માહિતી મળી છે. ત્રણ બોટમાં આ બાળકો સવાર હતા, જેમાંથી એક બોટ તળાવમાં પલટી હતી. આ દુર્ઘટના ખૂબ જ ગંભીર અને દુ:ખદ છે. આ દુર્ઘટનામાં હાલ અમારું સંપૂર્ણ ફોકસ બચાવકાર્ય પર છે. ઝડપથી બચાવકાર્ય કરવામાં આવે. તેમણે કહ્યું કે આ ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારના નિયમોનો છે કે શાળાએથી પ્રવાસ લઈ જવા, રાત્રે બસ ન ચલાવવી, કેટલા ધોરણ સુધીના બાળકોને પ્રવાસ પર લઈ જવા, કેટલા દૂરી સુધી બાળકોને પ્રવાસે લઈ જવા આ તમામ માટે નિયમો ઘડાયેલા છે. તેમણે કહ્યું કે, નિયમોમાં બાંધછોડ કરવામાં આવ્યું છે કે કેમ? વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા કે કેમ? તે અંગે તપાસ કરવામાં આવશે. પરંતુ, હાલ અમારું ફોકસ રેસ્ક્યૂ કામગીરી પર છે.
મેયરનું નિવેદન
આ દુર્ઘટનાને લઈ વડોદરાના (Vadodara) મેયરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મને સાંજે 4.30 કલાકે આ દુર્ઘટના અંગે માહિતી મળી છે. તેમણે કહ્યું કે, રેસ્ક્યૂ કરાયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિલ ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 30 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નાના બાળકો હતા તેથી કદાય વધારે લોકોને બેસાડ્યા હોઈ શકે. મેયરે કહ્યું કે, લાઇફ જેકેટ પહેરાવ્યા હતા તેવી માહિતી મને મળી છે.
આ પણ વાંચો - Raghavji Patel : કાલાવાડમાં કેબિનેટ મંત્રીનું છલકાયું દર્દ! CM બનવા અંગે જાહેરમાં કહી આ વાત