VADODARA : અનગઢ ગામ પાસે મહિસાગર નદીનું પાણી દુર્ગંધ મારતુ અને દુષિત જણાયુ
VADODARA : વડોદરા (VADODARA) પાસે અનગઢ ગામે મહિસાગર નદી (MAHISAGAR RIVER) નું પાણી દુષિત અને દુર્ગંધ મારતું જણાતા સ્થાનિક લોકોએ પર્યાવરણ પ્રેમી અગ્રણીનો સંપર્ક કર્યો હતો. જે બાદ દુષિત પાણીના ફોટો-વિડીયો રૂપી પુરાવા જીપીસીબીને મોકલવામાં આવતા ટીમ સ્થળે આવી પહોંચી હતી. અને જે જગ્યાએ પાણીની સ્થિતી દુષિત અને દુર્ગંધ મારતી હતી તેનાથી થોડેક દુર જઇ સેમ્પલ લીધા હોવાનું જાગૃત નાગરિક દિપકસિંહ વિરપુરા જણાવી રહ્યા છે.
મસાણી માતાના મંદિરથી લઇને વાસદ સુધીના નદીના પટ્ટામાં સમસ્યા
વડોદરા પાસે મહિસાગર નદી આવેલી છે. જે વડોદરાવાસીઓ તથા અન્ય ગ્રામજનો માટે પાણીનો મહત્વનો સ્ત્રોત પણ છે. અગાઉ મહિસાગર નદીના કેટલાક પટ વિસ્તારમાં ફીણ જોવા મળ્યું હતું. જે બાદ તેના પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આજે મહિસાગર નદીના અનગઢ ગામના મસાણી માતાના મંદિરથી લઇને વાસદ સુધીના પટ્ટામાં પાણી દુષિત અને દુર્ગંધ મારતું હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા તેમણે અગ્રણી દિપકસિંહ વિરપુરાનો સંપર્ક કર્યો હતો. જે બાદ જીપીસીબીની ટીમને ફોટા-વિડીયો મોકલવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સેમ્પલ લીધા હતા.
બોટલમા્ં પાણી ભરીને જોયું તો સ્થિતી ઘણી ખરાબ હતી
સમગ્ર ઘટના અંગે જાગૃત નાગરિક દિપકસિંહ વિરપુરા જણાવે છે કે, આજે વિસ્તારના નાગરીકે અમારો સંપર્ક કર્યો હતો. તેમાં તેણે કહ્યું કે અનગઢ ગામના મસાણી માતાના મંદિરથી લઇને વાસદ સુધીના પટ્ટા પર મહિસાગર નદીનું પાણી પ્રદુષિત થઇ ગયું છે. ખરાબ થઇ ગયું છે, દુર્ગંધ મારે છે, સ્નાન પણ ન કરાય તેવું છે. જેથી હું ત્યાં પહોંચ્યો અને બોટલમા્ં પાણી ભરીને જોયું તો સ્થિતી ઘણી ખરાબ હતી. મહિસાગર નદીમાં મસાણી માતાનું મંદિર આવેલું છે ત્યાં કિનારાની સ્થિતી આવી છે. ત્યાર બાદ જીપીસીબીના અધિકારીને મારી પાસેના ફોટો-વિડીયો મોકલ્યા હતા. જે બાદ જીપીસીબીની ટીમ આવી હતી.
સાબરમતી અને વિશ્વામિત્રી નદી જેવી હાલત મહિસાગર નદીની ન થાય
વધુમાં દિપકસિંહ વિરપુરા જણાવે છે કે, ટીમે જ્યાં ગંદુ પાણી દેખાતું હોવાની જગ્યા છોડીને ફ્રેન્ચ વેલ પાસેથી સેમ્પલ લીધા હતા. ફ્રેન્ચ વેલ પાસેથી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ગંદકીનું સાચુ પ્રમાણ ન મળી શકે. આ અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ કોઇ નક્કર ઉપાય થયો નથી. આ વિષયને કોઇ ગંભીરતા સાથે લેવામાં આવતું નથી. સાબરમતી અને વિશ્વામિત્રી નદી જેવી હાલત મહિસાગર નદીની ન થાય તે જોવાની જવાબદારી આપણી છે. અમારૂ આકલન છે કે, આ પટ્ટા પર મહિસાગર નદીની આવી સ્થિતી થવા પાછળનું કારણ પોઇચાની કંપનીઓ છે. તેમના દ્વારા યોગ્ય ટ્રીટમેન્ટ કર્યા વગર પ્રવાહી છોડવામાં આવતા નદીની હાલત આવી થઇ છે.
પાણી આપણી અણઆવડત ઉજાગર કરી રહ્યું છે
દિપકસિંહ વિરપુરા આખરમાં જણાવે છે કે, પાણીની બોટલનું સેમ્પલ મસાણી માતાના મંદિર કિનારેથી લેવામાં આવ્યું છે. દર રવિવારે હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવે છે. મહીસાગર નદિમાં સ્નાન કરે છે, અને ધન્યતા અનુભવે છે. તો બીજી તરફ અહિંયા વાસ મારતું પાણી આપણી અણઆવડત ઉજાગર કરી રહ્યું છે. આવનાર સમયમાં વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પાણી પુરવઠા શાખાના એન્જિનીયરની મુલાકાત લઇને તેમને આ સમસ્યાથી રૂબરૂ કરાવીશું. સાથે જ જીપીસીબીના રિપોર્ટમાં શુ સામે આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --VADODARA : પિતાના લગ્તેત્તર સંબંધમાં પુત્રીના ભણતરનો ભોગ લેવાની તૈયારી હતી, અભયમે બાજી પલટી