VADODARA : "ગૌરવ યાત્રા" શહેરભરમાં ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે
VADODARA : વડોદરામાં મહારાણા પ્રતાપ સમિતી દ્વારા આજરોજ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શહેરભરમાં ફરીને સાંજે મહારાણા પ્રતાપની ચેતક સાથેની પ્રતિમા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. ત્યાં ભારતની દિવ્યતા અને ભવ્યતાની ઝાંખી કરાવતો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ગૌરવ યાત્રામાં 18 વર્ણને સાથે રાખવામાં આવ્યા હોવાનું આયોજકો જણાવી રહ્યા છે.
દિવ્યતા અને ભવ્યતાની ઝાંખી
મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે શહેરની મહારાણા પ્રતાપ સમિતી દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવ યાત્રા શહેરભરમાં ફરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. જ્યાં મોટી સંખ્યામાં અલગ અલગ ગામો-જિલ્લાઓમાંથી લોકો એકત્ર થશે, અને ભારતની દિવ્યતા અને ભવ્યતાની ઝાંખી મેળવશે.
અકલ્પનીય યાત્રા
મહારાણા પ્રતાપ સમિતીના જયેન્દ્રસિંહ ઝાલા અગ્રણી જણાવે છે કે, વિર શિરોમળી મહારાણા પ્રતાપજીની 484 મી જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવ યાત્રા એટલે અકલ્પનીય યાત્રા, સમાજના 18 વર્ણને સાથે રાખીને યાત્રા નિકળે છે. યાત્રા વડોદરામાં ફરીને કેવડિયા ખાતે સમાપ્ત થશે. કેવડિયા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જ્યાં ભારતનો દિવ્ય અને ભવ્ય વારસો આજના લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ છે. સાંજે 6 - 30 વાગ્યે આ કાર્યક્રમ યોજાનાર છે.
રાજવંશનો ધ્વજ
વધુમાં જણાવ્યું કે, જેમ જેમ યાત્રા આગળ વધશે, તેમ તેમ લોકો જોડાતા જશે. મહારાણા પ્રતાપજીની ચેતક સાથેની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે. તમામ વાહનો પર અલગ રાજવીઓના માનમાં રાજવંશનો ધ્વજ લગાડવામાં આવ્યા છે. આજની યુવાપેઢીને ભારતના લોકશાહીમાં 562 રજવાડાઓનું બલીદાન એટલું જ મહત્વનું છે, તે યાદ અપાવવા માટે આ યાત્રા યોજાઇ રહી છે.
આ પણ વાંચો -- VADODARA : ચૂંટાયેલા હોદ્દેદારો વચ્ચે “સંકલન”નો અભાવ, આંતરિક હુંસાતુસી સામે આવી