Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રેકોર્ડ બ્રેક મતદાન કરવા અપીલ, 1278 મતદાન મથકો ઉપર કરાશે વેબ કાસ્ટિંગ

VADODARA : વડોદરા સંસદીય મતવિભાગની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીનું મતદાન આવતીકાલ તા. 07/05/2024 ને મંગળવારના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં...
vadodara   રેકોર્ડ બ્રેક મતદાન કરવા અપીલ  1278 મતદાન મથકો ઉપર કરાશે વેબ કાસ્ટિંગ

VADODARA : વડોદરા સંસદીય મતવિભાગની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીનું મતદાન આવતીકાલ તા. 07/05/2024 ને મંગળવારના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે.

Advertisement

14 હરીફ ઉમેદવારો નોંધાયા

સમૂહ માધ્યમો સાથે સંવાદ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું કે, વડોદરા સંસદીય મતદાર વિભાગમાં કુલ 14 હરીફ ઉમેદવારો નોંધાયા છે. જેમાંથી રાષ્ટ્ર અને રાજ્યના માન્ય રાજકીય પક્ષોના ત્રણ ઉમેદવારો, નોંધાયેલ રાજકીય પક્ષોના ચાર ઉમેદવારો અને 7 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

1803 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા

20-વડોદરા સંસદીય મતદાર વિભાગમાં કુલ 9,95,083 પુરૂષ મતદારો; 9,54,260 સ્ત્રી મતદારો અને 230 અન્ય મતદારો સહિત કુલ 19,49,573 મતદારો નોંધાયા છે. વડોદરા સંસદીય મતદાર વિભાગમાં સાવલી, વાઘોડીયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર વિધાનસભા મતવિભાગનો સમાવેશ થાય છે. જ્યારે ડભોઈ અને પાદરા વિધાનસભા મતવિભાગનો 21-છોટા ઉદેપુરમાં અને કરજણ વિધાનસભા મતવિભાગનો 22-ભરૂચ સંસદીય મતવિભાગમાં સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં કુલ 1282 અને ગ્રામ્ય વિસ્તારમાં 521 સહિત કુલ વડોદરા સંસદીય મતવિભાગમાં 1803 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

Advertisement

26,46,246 મતદારો નોંધાયા

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડોદરા જિલ્લામાં 13,50,103 પુરૂષ મતદારો, 12,95,897 સ્ત્રી મતદારો અને અન્ય 246 સહિત કુલ 26,46,246 મતદારો નોંધાયા છે. વડોદરા જિલ્લામાં શહેરી વિસ્તારમાં 1386 અને ગ્રામ્ય વિસ્તારમાં 1116 સહિત કુલ 2552 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

એ. આઈ. થીમ આધારિત મોડેલ મથકો

શાહે કહ્યું કે, જિલ્લામાં મહિલા સંચાલિત 70, યુવા સંચાલિત 10, દિવ્યાંગો સંચાલિત 10 અને 10 મોડલ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શહેરના રાવપુરામાં હેરિટેજ, માંજલપુરમાં ગરબા આધારિત અને વડોદરા શહેર વિધાનસભા મતવિભાગમાં એ. આઈ. થીમ આધારિત મોડેલ મથકો ઉભા કરવામાં આવ્યા છે.

Advertisement

1800-233-1951 ટોલ ફ્રી નંબર

ચૂંટણી માટે તમામ મતદાન મથકો ખાતે ચૂંટણી સ્ટાફ અને મતદાન પ્રક્રિયા સંબંધિત સામગ્રીનું આજે શહેર-જિલ્લાના 10 રવાનગી કેન્દ્રો ખાતેથી વિતરણ કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં 3186 બેલેટ યુનિટ, 3186 કંટ્રોલ યુનિટ અને 3442 વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, વડોદરા જિલ્લાના 854 ક્રીટીકલ મતદાન મથકો સહિત કુલ 1278 મતદાન મથકો ઉપર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. મતદારો તરફથી મળતી ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. મતદારો તેમની કોઈપણ ફરિયાદો માટે 1800-233-1951 ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે.

અસલમાં રજૂ કરીને મતદાન

મતદાન મથક પર મોબાઈલ સંપૂર્ણ પ્રતિબંધિત છે, તેમ જણાવતા શ્રી શાહે ઉમેર્યું હતું કે, મતદારો મતદાન મથક ખાતે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 માન્ય દસ્તાવેજો પૈકી કોઈ એક અસલમાં રજૂ કરીને મતદાન કરી શકે છે. આ સાથે તેમણે મતદારોને વોટર ઈન્ફોર્મેશન સ્લીપ સાથે રાખવાનો આગ્રહ કર્યો હતો. જેથી મતદાન મથકે મતદારનું નામ શોધવામાં સરળતા રહે.

માઈક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે

ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થા પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દરેક મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્રીટીકલ મતદાન મથકો ઉપર પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સેન્ટ્રલ પોલીસ ફોર્સના જવાનો, સ્ટેટ પોલીસ ફોર્સના જવાનો તેમજ માઈક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

98 મેડીકલ એમ્બ્યુલન્સની વ્યવસ્થા

હીટવેવની સંભાવનાને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથકો પર પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી, ઓ. આર. એસ. પેકેટ, ચાર ખુરશી અને બેન્ચ, મેડીકલ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય કર્મીઓ અને નર્સિંગ સ્ટાફ પણ તૈનાત રહેશે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે 65 અને શહેરી વિસ્તારોમાં માટે 33 એમ કુલ 98 મેડીકલ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત મતદાન મથકો ખાતે મતદારોની આરોગ્યની સાચવણી માટે વધારાના રૂમો પણ ખુલ્લા રાખવામાં આવશે, જ્યાં તેઓ બેસી શકશે. શક્ય હોય તો મતદાન મથકે નાના બાળકોને ન લઈ જવા, સુતરાઉ કપડા પહેરવા, માથું ટોપી અથવા દુપટ્ટાથી ઢાંકવું, વધારે માત્રામાં પાણી પીવું, તેમ શાહે જણાવ્યું હતું.

રેકોર્ડબ્રેક મતદાન માટે અનુરોધ

દિવ્યાંગો અને વયસ્ક મતદારો માટે મતદાન મથકો ખાતે મતદાનમાં અગ્રતા આપવા સાથે સ્વયંસેવકો અને વ્હીલચેરની પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવામાં આવી છે, તેને લગત કોઈ ફરિયાદ માટે કામદાર 1950 પર સંપર્ક કરી શકે છે. ‘સૂરજ ભલે ગમે તેટલો તપે, પણ ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે’ સૂત્રનું પઠન કરતા શાહે વડોદરા શહેર-જિલ્લાના તમામ મતદારોને રેકોર્ડબ્રેક મતદાન માટે અનુરોધ કર્યો છે.

શહેર પોલીસ સજ્જ

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કાયદો-વ્યવસ્થા અને પોલીસ ફોર્સની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે શહેર પોલીસ સજ્જ છે. મતદારો આવતીકાલે નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે ચુસ્ત અને સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે ટ્રાફિક વ્યવસ્થાપન પર પણ ભાર આપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ આવતો ટ્રક બાઇક ચાલક માટે કાળ બન્યો

Tags :
Advertisement

.