VADODARA : આગવી ઓળખ સમાન ગેંડા સર્કલનો નવો અવતાર નાપસંદ
VADODARA : વડોદરા (VADODARA) માં વર્ષો પહેલા આર્ટિસ્ટ દ્વારા ટનબંધી ભંગારમાંથી તૈયાર કરવામાં આવેલો ગેંડાનું સ્થાન ફાઇબરના ગેંડાએ લેતા કલાકારોમાં નાપસંદગીનો વિષય બન્યો છે. એશિયાભરમાં એકમાત્ર શક્તિના પ્રતિક સમાન ગેંડાનું વડોદરામાં અનોખુ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ સમય જતા તેની જગ્યાએ ફાઇબરના ગેંડાને મુકવાનું આયોજન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. જેને લઇને કલાકારોમાં દુખની લાગણી જોવા મળી રહી છે. અગાઉ વડોદરાના રાજમાતા પણ કલાની ઓળખ ધરાવતા શહેરમાં બેનમુન કલાકૃતિઓને જ્યાં ત્યાં મુકવા અંગે પોતાનો વિરોધ દર્શાવી ચુક્યા છે.
વિરોધ સોશિયલ મીડિયામાં
પ્રબળ માન્યતા પ્રમાણે એશિયામાં એકમાત્ર વડોદરામાં સ્ક્રેપમાંથી તૈયાર કરવામાં આવેલી ગેંડાની કૃતિને હાલના વડોદરા સેન્ટ્રલ મોલ ચાર રસ્તા પર મુકવામાં આવ્યો હતો. આ સર્કલ વર્ષોથી ગેંડા સર્કલ તરીકે જાણીતું છે. અને સમય જતા તે આગવી ઓળખ બની ગયું છે. આજે પણ તે ચાર રસ્તા ગેંડા સર્કલ તરીકે જ પ્રચલિત છે. પરંતુ હવે તેના સ્થાને પાલિકા દ્વારા ફાઇબરનો ગેંડો મુકવાની હિલચાલ કરી રહી છે. જેનો કલાકારો દ્વારા ખાસ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ સોશિયલ મીડિયામાં ખુલીને સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તંત્ર ઠોકી બેસાડશે
વડોદરાને કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરામાં અનેક આંતરરાષ્ટ્રીય નામના પ્રાપ્ત કલાકારો દ્વારા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા હતા. જેને અનેક જગ્યાઓએ ચાર રસ્તા પર મુકવામાં આવ્યા હતા. સમય જતા તે સ્કલ્પચર જે તે વિસ્તારની ઓળખ બની ગયા હતા. આવું જ કંઇક વડોદરાના ગેંડા સર્કલ પર થયું હતું. પરંતુ પાલિકા દ્વારા શહેરની જુની ઓળખ ભૂંસી તેની જગ્યાએ ફાઇબરનો ગેંડો મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને કલાકારો રોષે ભરાયા છે. એટલું જ નહી સ્ક્રેપમાંથી ઓરીજીનલ ગેંડો તૈયાર કરનાર પરિવારના સભ્યો પણ ફાઇબરના ગેંડાને મુકવાનો વિરોધ દર્શાવી રહ્યા છે. લોકોનું સ્પષ્ટ માનવું છે કે, આ રીતે જુના અને નામનાપ્રાપ્ત સ્કલ્પચરોને હટાવતા પહેલા શહેરના નામી કલાકારો જોડે વિચાર વિમર્શ કરવો જરૂરી છે. નહી તો તંત્ર ઠોકી બેસાડશે, તેવા નિર્ણયોનો વિરોધ થતો રહેશે.
આ પણ વાંચો -- VADODARA : સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ