VADODARA : લાઇનમાં ભંગાણ સર્જાતા 4 ફુટ ઉંચો પાણીનો ફુવારો ઉડ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં પીવાના પાણીના વેડફાટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ચાર ફૂટ ઊંચા ફુવારા ઉછળ્યા હતા. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. એક બાજુ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી નહી મળતું હોવાની બુમો ઉઠી રહી છે. તો બીજી તરફ આ રીતે પાણીને વેડફાટ સામે આવી રહ્યો છે. સ્માર્ટ સિટીના સત્તાધીશોની અણઆવડત પુરવાર કરવા માટે આટલું કાફી છે.
ગંભીર આરોપો મુક્યા
એક તરફ વડોદરા શહેરમાં લોકોને સમયસર સ્વચ્છ પીવાનું પાણી મળી રહ્યું નથી. લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. તો બીજી તરફ ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા. જેના કારણે રસ્તા પણ પાણી રેલમછેલ જોવા મળી હતી. તેવામાં શહેરના જાણીતા સામાજીક કાર્યકરે પાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આરોપો મુક્યા હતા.
લોકોને પાણી નથી મળી રહ્યું
સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે , ફતેપુરા ત્રણ રસ્તા પાસે ગુરુવારે સવારે હજારો ગેલન પીવાનું પાણી વેડફાયું હતું. ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે, સાથે સાથે પાણીન અને વાણી વિચાર કરીને વાપરવાનું. જ્યારે આવા અનેક શબ્દો પર મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે. પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો સુઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે લોકોને પાણી નથી મળી રહ્યું. પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે, અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ લોકોને પાણી નથી મળી રહ્યું.
કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ
વધુમાં તેમણે જણાવ્યું કે, આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી ખાસ માંગણી છે. કારણકે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા પર જે ખોદકામ કરવામાં આવ્યું છે. એના કારણે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, ચેરમેનને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ પણ વાંચો -- VADODARA : જર્જરિત મકાનો પર પાલિકાનું મેગા ઓપરેશન, પાણી-વિજ કનેક્શન કપાયા