VADODARA : પ્રાકૃતિક ખેતપેદાશો સીધા ગ્રાહકોને વેચી મોટી આવક મેળવતા ખેડૂત
VADODARA : ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે.હવે ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વગર એટલે કે ઝેરમુકત ખેતી તરફ વળ્યા છે.પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર પણ ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે.વડોદરા જિલ્લામાં તમામ તાલુકાઓમાં ખેડૂતો શાકભાજી અને ખાદ્યાન્નની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.આ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે વડોદરા શહેરમાં ત્રણ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.
ઝેરમુક્ત શાકભાજી અને ખાધાન્ન
વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર અને આત્મા પ્રોજેક્ટના માધ્યમથી જિલ્લામાં કુલ ત્રણ એફ.પી. ઓ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં શિનોર,પાદરા, કરજણ, ડભોઈ, સાવલી,ડેસર,વડોદરા અને વાઘોડિયાના ૮૦૦ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સભાસદ તરીકે જોડાયેલા છે.જે વડોદરા શહેરના નાગરિકોને પોતાના ખેતરમાં ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશો પહોંચાડી રહ્યા છે. આ ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા તેમના ઉત્પાદનોનું સીધું જ વેચાણ ગ્રાહકોને કરી રહ્યા છે. જેને શહેરીજનો તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરા શહેરમાં જિલ્લા પ્રશાસન દ્વારા બે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.શહેરીજનોને આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત શાકભાજી અને ખાધાન્ન માટે આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોમાંથી ખરીદી કરે તો ખેડૂતોને પણ પ્રોત્સાહન મળશે.આ કેન્દ્રો મારફતે ખેડૂતોએ રૂ.૩૫ લાખથી વધુ આવક પોતાની ખેત પેદાશો સીધી જ ગ્રાહકોને વેચીને મેળવી છે.
આત્મા યોજના દ્વારા વેચાણ કેન્દ્ર કાર્યરત
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ હવે સમયની માંગ અને જરૂરિયાત પણ છે કારણ કે આ પ્રકારની ખેતીમાંથી ઉત્પન્ન થતી ઉપજ લોકોના આરોગ્ય માટે ફાયદાકારક છે.પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે.ખેડૂતોને તેમની કુદરતી ઉપજ શહેર અને જિલ્લાના લોકો સુધી પહોંચવામાં મદદ કરવા માટે રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર એ એક પહેલ છે. વડોદરામાં જય અંબે સ્કૂલની સામે,માંજલપુર અને વૃંદાવન ચાર રસ્તા નજીક,ગાયત્રી મંદિર પાસે,વાઘોડિયા રોડ પર તાજેતરમાં આવું બીજું કેન્દ્ર શરૂ થયું જેને લોકોનો સાનુકૂળ પ્રતિભાવ મળી રહ્યો છે. આ ઉપરાંત દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૦ થી ૧૩ કલાક સુધી જૂની કલેક્ટર કચેરી ખાતે આત્મા યોજના દ્વારા વેચાણ કેન્દ્ર કાર્યરત છે.
૩૦૦ થી વધુ ખેડૂતો સંકળાયેલા
આ કેન્દ્રનું સંચાલન કરતા સીઈઓ ખેડૂત એવા યોગેશભાઈ પુરોહિત કહે છે કે,આ કેન્દ્રમાંથી અમે લગભગ ૨૫ થી ૩૦ કુદરતી ઉત્પાદનોનું વેચાણ કરીએ છીએ.જેમાં વિવિધ પ્રકારની શાકભાજી, બાજરી, મસાલા, અનાજ, કઠોળ, તેલ, ગોળ, ટામેટાંનો પલ્પ, લોટ, પાપડ સહિતની કેટલીક પ્રોડક્ટનું કેન્દ્ર પર વેચાણ કરવામાં આવે છે. ડભોઈ અને વાઘોડિયાના ૩૦૦ થી વધુ ખેડૂતો આ વેચાણ કેન્દ્ર સાથે સંકળાયેલા છે. પ્રાકૃતિક ખેત પેદાશો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવા સાથે સ્વસ્થ જીવનશૈલી તરફ લઈ જવાનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રોડક્ટ્સ સેમ્પલિંગ બાદ પાસ
આત્મા પ્રોજેક્ટ વડોદરાના નિયામક જે.ડી. ચારેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર ખેડૂતોને તેમના ઉત્પાદનો વેચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. વડોદરાના લોકોને તેમના વિસ્તારમાં કુદરતી ઉત્પાદનો મેળવવા માટે સરળતા પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું કે, આ કેન્દ્રમાંથી વેચાતી તમામ પ્રોડક્ટ્સ સેમ્પલિંગ બાદ પાસ કરવામાં આવે છે.ડભોઈ અને વાઘોડિયાના ખેડૂતો આ આઉટલેટનો લાભ લઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી વડોદરા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિનો આધાર બની રહી છે.
આ પણ વાંચો -- VADODARA : ગણેશ ભક્તોની જીત, પોલીસ કમિશનર સાથેની મીટિંગ બાદ સુખદ અંત