VADODARA : વિદ્યાદાન માટે રૂ. 27 લાખની સરવાણી વહી
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં બે દિવસથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકોત્સવ બની ચૂકેલા આ કાર્યક્રમમાં શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલ્લિત કરવા અને શાળાઓમાં વિવિધ સુવિધાઓ માટે દાતાઓએ ખુલ્લા મને દાનની સરવાણી વહેવડાવી છે. પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કુલ રૂ. ૨૭. ૪૪ લાખથી વધારેનું દાન લોક સહયોગ અને લોક ભાગીદારીથી મળ્યું છે. જેમાં રૂ. ૩.૫૭ લાખ રોકડ સ્વરૂપે અને રૂ. ૨૩.૮૭ લાખ વસ્તુ સ્વરૂપે પ્રાપ્ત થયા છે.
જ્ઞાનકુંજ વર્ગ અને કોમ્પ્યુટર લેબની મુલાકાત
વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યકક્ષાએથી આવેલા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ઉપસચિવશ્રી મયુર મહેતાએ આંતુના મુવાડા, પી.એમ. શ્રી વરસડા અને આસ્થા વિદ્યાલયમાં, સામાન્ય વહીવટ વિભાગના શ્રીમતી ગાયત્રીદેવી દરબારે ડભોઇ તાલુકાની ગામડી નર્મદા વસાહત, શિનોર રોડ નર્મદા વસાહત અને શિરોલા શાળામાં, તેમજ જી. એ. ડી. ના શ્રીમતી દિપાલી પટેલે કરજણ તાલુકાની હલદરવા, માંકણ અને મેસરાડ શાળામાં ઉપસ્થિત રહીને શૈક્ષણિક કીટ આપીને બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું. તેમજ મહાનુભાવો દ્વારા જ્ઞાનકુંજ વર્ગ અને કોમ્પ્યુટર લેબની મુલાકાત લેવામાં આવી હતી.
સ્ટાફ સાથે હર્ષભેર ઉજવણી
દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વી. જે. રાજપૂતે પાદરા તાલુકાની તલાવ વગા, નરસિંહપુરા અને ધોરી વગા શાળામાં, નાણા વિભાગના ડી. પી. શાહે શિનોર તાલુકાની દામાપુરા, સુરાશામળ અને માલસર શાળામાં ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવની વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના સ્ટાફ સાથે હર્ષભેર ઉજવણી કરી હતી.
શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું
તો, સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના શ્રીમતી અપેક્ષા પટેલિયાએ વાઘોડિયા તાલુકાની હંસાપુરા, ખાંડીવાડા અને શરણેજ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક ઉપરાંત માધ્યમિક કક્ષાએ બાળકોનો શાળા પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું.
ઉત્તમ પ્રકારનું આયોજન
આમ, પ્રવેશોત્સવના બીજા દિવસે નિપુણ ભારત-નિપુણ ગુજરાત તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર દેશમાં શૈક્ષણિક ગુણવત્તા માટેની રાષ્ટ્રીય પહેલ થકી શ્રેષ્ઠ પરિણામ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે અને તેમની સમગ્રતા ટીમ દ્વારા ઉત્તમ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર-સાયન્સ લેબ સાથે સજ્જ સરકારી શાળા