VADODARA : રૂપાલાના વિરોધમાં સાઠોદ ગામે બુલડોઝર પર પોસ્ટર લહેરાયું
VADODARA : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ની વિવાદીત ટીપ્પણી નો વિરોધ શમવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં વડોદરા (Vadodara) પાસે ડભોઇના સાઠોદ ગામે ક્ષત્રિય આગેવાનો દ્વારા બુલડોઝર (JCB) પર રૂપાલાના વિરોધમાં પોસ્ટર લહેરાવવામાં આવ્યું છે. બાદમાં આ પોસ્ટરને ગેટ પર લગાડી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાને મીડિયાને જણાવ્યું કે, રૂપાલાની ટીકીટ રદ્દ થવી જોઇએ અમારી એટલી જ માંગણી છે.
વિરોધ અટકવાનું નામ નથી લેતો
પરશોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઇને તેઓ અનેક વખત માફી માંગી ચુક્યા છે. તાજેતરમાં તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા પણ હાથ જોડીને રૂપાલાને માફ કરી દેવા અપીલ કરવામાં આવી હતી. છતાં રૂપાલાનો વિરોધ અટકવાનું નામ નથી લેતો. હવે રૂપાલાનો વિરોધ વડોદરા પાસે ડભોઇના સાઠોદ ગામ સુધી પહોંચ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. તાજેતરમાં ગામના ક્ષત્રિય આગેવાનો દ્વારા એકત્ર થઇને બુલડોઝર પર રૂપાલાના વિરોધમાં પોસ્ટર લહેરાવ્યું હતું. બાદમાં આ પોસ્ટરને ગેટ પર લગાડી દેવામાં આવ્યું છે.
...તો ગામેગામ પોસ્ટર લગાડીને વિરોધ કરીશું
સમગ્ર મામલે સાઠોદના રાજપૂત અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલા નિવેદનને વખોડે છે. આજે અમે સાઠોદના બસ સ્ટેન્ડ પર રૂપાલાના બોટકોટનું પોસ્ટર લગાડ્યું છે. જો અમને ન્યાય નહિ મળે તો ગામેગામ પોસ્ટર લગાડીને વિરોધ કરીશું. અને તેમના વિરૂદ્ધ મતદાન કરાવીશું. ભાજપ સરકાર વિકાસ, સબકા સાથ અને સબકા વિકાસની વાત કરે છે. રૂપાલાને કેન્દ્રમાં રાખીને રાજપુત સમાજ રસ્તા પર આવે તો ન્યાય કેમ નથી મળતો. તેઓ નારી સુરક્ષા અને નારી સન્માનથી વાતો કરે છે ત્યારે નારી વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર રૂપાલાને કેમ સજા નથી કરતી. આ અમારો મોટો પ્રશ્ન છે.
માઇક્રો પ્લાનીંગ સાથે આગળ વધીશું
વધુમાં અગ્રણી મીડિયા સમક્ષ જણાવે છે કે, અમને વહેલી તકે ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન કરીશું. અત્યાર સુધી અમારી માંગણી શિસ્તમાં કરી છે, સરકાર વિરૂદ્ધ કે સમાજ વિરૂદ્ધ સુત્રોચ્ચાર નથી કર્યા. રૂપાલાની ટીકીટ રદ્દ થવી જોઇએ અમારી એટલી માંગણી છે. રૂપાલાની ટીકીટ જ્યાં સુધી રદ્દ નહિ થાય ત્યાં સુધી સમાજ શાંતિથી નહિ બેસીએ. અમે માઇક્રો પ્લાનીંગ સાથે આગળ વધીશું. માત્ર આ ચૂંટણી જ નહિ, પરંતુ આવનાર ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરીશું.
ગામમાં પ્રવેશ કરવો નહિ
પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, પ્રવેશબંધી, ભાજપના કોઇ પણ કાર્યકરો કે આગેવાનોએ સાઠોદ ગામમાં પ્રવેશ કરવો નહિ, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ ન થાય ત્યાં સુધી. શ્રી સમસ્ત સાઠોદ રાજપૂત સમાજ.
આ પણ વાંચો -- VADODARA : સિનિયર નેતાનું દર્દ છલકાયું, ઉમેદવાર બદલવાથી લઇ ચૂંટણી પ્રચાર અંગે કરી મોટી વાત