VADODARA : હોટલમાંથી અડધો ડઝન ખેલીઓને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ
VADODARA : તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા બાતમીના આધારે જુગારીઓ પર કાર્યવાહી કરી છે. નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, જેતલપુર બ્રિજ પાસે આવેલી એક હોટલના ત્રીજા માળે રૂમમાં જુગાર ધમધમી રહ્યો છે. જેને લઇને ટીમ દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અડધો ડઝન ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. તમામ સામે અકોટા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હોટલના રૂમમાં રેડ કરી
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેરમાં પેટ્રોલીંગ કરતી હોય છે. દરમિયાન ગતરોજ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી કે, જેતલપુર બ્રિજની બાજુમાં વિન્ટેજ હોટલના ત્રીજા માળે આવેલા રૂમમાં કેટલાક ઇસમો દ્વારા જુગાર રમી રહ્યા છે. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોટલના રૂમમાં રેડ કરી હતી. જેમાં અડધો ડઝન, 6 ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. 48,350 મળી આવ્યા હતા. 6 ખેલીઓને અકોટા પોલીસ મથકમાં સોંપીને તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છએ. જુગાર રમવા માટે હોટેલનો રૂમ રશ્મીન ધવન અને જગદીશ અગ્રવાલ દ્વારા બુક કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રોકડા, મોબાઇલ અને વાહનો મળ્યા
ઉપરોક્ત કાર્યવાહીમાં રશ્મીન રામપ્રકાશ ધવન (રહે. વેનીશ રેસીડેન્સી, બ્રાઇટ સ્કુલ પાછળ, વાસણા-ભાયલી રોડ), નિતીન રતીલાલ કોન્ટ્રાક્ટર (રહે. નિલામ્બર પાલ્મ, વાસણા-ભાયલી રોડ), જગદીશભાઇ ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. સીટીઝન સોસાયટી, ઇલોરા પાર્ક, ગોરવા), જનક ભુલાભાઇ પટેલ (રહે. સાંઇનાથ પાર્ક, વડોદરા), વિશાલભાઇ પ્રવિણભાઇ પટેલ (રહે. શાંતિકુંજ સોસાયટી, માંજલપુર), રાહુલભાઇ મોહનભાઇ ખંડેલવાલ (રહે. વૃંદાવન ટાઉનશીપ, હરણી રોડ, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત જુગારીઓ પાસેથી રૂ. 48,350 રોકડા, 7 મોબાઇલ ફોન રૂ. 1.62 લાખ, બે ટુ વ્હીલર રૂ. 45 હજાર, એક કાર રૂ. 5 લાખ મળી કુલ રૂ. 7.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામીને પકડવા વડતાલમાં તપાસ