VADODARA : બ્રાન્ડેડ કપડાના પાર્સલમાંથી હાથફેરો કરનારા બચી ન શક્યા
VADODARA : વડોદરાના ગેંડ સર્કલ સ્થિત શો રૂમના પાર્સલમાંથી બ્રાન્ડેડ કપડાંની ચોરી કરી તેને થેલીઓમાં ભરીને વેચવાની ફિરાકમાં ફરતા ડિલીવરી બોયને ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમે દબોચી લીધા છે. અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી અર્થે ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION) માં સોંપવામાં આવ્યા છે.
બાતમી મળી હતી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમને બાતમી મળી હતી કે, આજથી 15 દિવસ પહેલા જીએસએફસી ગેટ પાસે ડિલીવરી સર્વિસ નામની કુરીયર સર્વિસમાં ડિલીવરી બોય તરીકે કામ કરતા ચાર ઇસમોએ ભેગા મળી ગોરવા ગેંડા સર્કલ ખાતે આવેલા શોરૂમના પાર્સલો લઇ જઇ તેમાંથી સ્ત્રી અને પુરૂષના કપડા કાઢી લઇ ચોરી કર્યા હતા. અને આ કપડાએ થેલીઓમાં ભરીને વેચવાની તૈયારીમાં હતા.
શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યા
બાતમી મળતા જ પોલીસની ટીમ તુરંત ઘટના સ્થળે દશરથ ગામે પહોંચી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોઇને નાસવા જતા આરોપીઓને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે નીરજ ઉર્ફે નીલુ પ્રવિણભાઇ યાદવ, મયંક મહેન્દ્રસિંહ રાઠોડ, ભાવિક રાજુભાઇ ભીલ, અને આશિષ અશોકભાઇ પટેલની અટકાયત કરી હતી. તમામની પુછપરછ કરતા તેમની પાસેથી રૂ. 35 હજાર કપડાં વેચીને મેળવેલી મળી આવ્યા હતા.
ફરી સેલોટેપ મારી દેવામાં આવતી
સઘન પુછપરછ કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું કે, તેઓ પાર્સલ ડિલીવરી કંપનીમાં કામ કરતા હતા. ગોંરવા ગેંડા સર્કલ પાસેના શોરૂમમાં ડિલીવરી માટે લીધેલા કપડાના બોક્સ પાર્સલ ખોલીને તેમાંથી કપડાંની ચોરી કરવામાં આવતી હતી. તેમ થઇ ગયા બાદ પાર્સલના બોક્સને ફરી સેલોટેપ મારી દેવામાં આવતી હતી. કંપની દ્વારા બ્રાન્ડેડ કપડાંના 27 બોક્સ મહારાષ્ટ્રના ભીવંડી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ દ્વારા કુલ રૂ. 64 હજારની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તમામને ગોરવા પોલીસ મથકમાં સોંપી દેવામાં આવ્યા છે.
ચાર સામે ફરિયાદ
ઉપરોક્ત કાર્યવાહીમાં નીરજ ઉર્ફે નીલુ પ્રવિણભાઇ યાદવ, મયંક મહેન્દ્રસિંહ રાઠોડ, ભાવિક રાજુભાઇ ભીલ (ત્રણેય રહે. નવદુર્ગા સોસાયટી, દશરથ ગામ, વડોદરા) અને આશિષ અશોકભાઇ પટેલ (રહે. ખોડિયાર પાર્ક, છાયાપુરી) ની અટકાયત કરવામાં આવી છે. સાથે કપડાં સહિત રોકડ રૂ. 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારા તત્વોની હવે ખેર નથી