VADODARA : તાળાબંધી બાદ સ્ટ્રીટ લાઇટની ફરિયાદનો ઉકેલ આવ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના તાંદલજા-વાસણા વિસ્તારમાં આવતા વોર્ડ નં. 10, 11 અને 12 માં કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇડ 15 જુન બાદથી બંધ હોવાની ફરિયાદ પાલિકા (VMC - VADODARA) ની લાઇટ વિભાગને કરવામાં આવી હતી. પરંતુ લાઇટ વિભાગના અધિકારીઓ દ્વારા 15 દિવસ ઉપરાંત વિતી ગયા બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતા આખરે તાજેતરમાં કોંગી આગેવાન અસ્ફાક મલેકની આગેવાનીમાં મોરચો અકોટા સ્થિત ઝોનલ ઓફીસે પહોંચ્યો હતો. અને વિભાગને તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે પાલિકાની લાઇટ વિભાગની કચેરીમાં હાજર કર્મચારી દ્વારા ઉપરી અધિકારીને ફોન કરવામાં આવતા અસ્ફાક મલેકે તેને બરાબરનો ખખડાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. જો કે, તાળાબંધી બાદથી તુરંત જ સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ઉકેલ આવવાનું શરૂ થઇ ગયું હતું. જેમાં મોટા ભાગની ફરિયાદોનો નિકાલ આવી ગયો છે. બે-ત્રણ ફરિયાદ ટુંક સમયમાં જ ઉકેલાઇ જશે, તેમ અસ્ફાક મલેકે જણાવ્યું છે.
પ્રજાના માથે બોઝો ન નાંખો
સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગી અગ્રણી અસ્ફાક મલેક જણાવે છે કે, 15 જુનથી તેમને રોજેરોજ ફરિયાદ બાબતે ટેલિફોનીક અને મેસેજથી જાણ કરવામાં આવી રહી છે. પરંતુ જે જાડી ચામડીના કર્મચારીઓ હરામનો પગાર લઇ રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાથી કામ કરવું જોઇએ તેની બદલે પગાર લઇ રહ્યા છે. તે કર્મચારીઓના પગાર બંધ કરવામાં આવે તેની માંગ સાથે અમે આવ્યા છે. સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામ ન કરવું હોય તો વિભાગ બંધ કરો. અને સરકારના માથે ખોટો ખર્ચો અને પ્રજાના માથે બોઝો ન નાંખો. અત્યાર સુધી 15 વખત રજૂઆત કરી છે. રોજ ફરિયાદ માટે એક ફોન કરવામાં આવે છે. તે દિવસની ફરિયાદોનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. જ્યારે ફોન કરીએ ત્યારે તો મેસેજ આવે કે પ્લીઝ ટેક્સ્ટ મી, કોઇ પણ કામગીરી કરવામાં તેમને રસ નથી. મફતનો પગાર લેવો છે. જો કે, આ ઘટના બાદ તાત્કાલીક ફરિયાદોનો નિકાલ આવવાનો શરૂ થઇ ગયો હતો. અને એક પછી એક સ્ટ્રીટ લાઇટ શરૂ થઇ ગઇ હતી. અને અધિકારીઓ દ્વારા તેના પુરાવા પણ તેમને મોકલવામાં આવ્યા હોવાનું અસ્ફાક મલેકે ઉમેર્યું છે.
આ જગ્યા ખાલી કરી દો
વીડિયોમાં જોવા મળ્યા અનુસાર પાલિકાની અકોટા સ્ટ્રીટ લાઇટની કચેરીએ મોરચો લઇને પહોંચેલા હાજર કર્મચારીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, અમારા વેરાના પૈસાથી તમે લોકો અહીંયા બેઠા છો, આ જગ્યા ખાલી કરી દો તમે. તમારે કામ નથી કરવું ? તમે મારૂ કામ એક મહિનાથી નથી કર્યું ? કેમ નથી કર્યું ? આજે મારે અહીંયા આવવું પડે, 24 કલાકમાં તમારે ફરિયાદનું નિરાકરણ લાવવાનું હોય, કેમ તે પ્રમાણે નથી કરતા ?
તું મિનિસ્ટર છે, ભાઇ
દરમિયાન વિભાગના અધિકારીને કર્મચારી દ્વારા ફોન કરવામાં આવે છે. જેમાં ફોન સ્પીકર પર કરીને અસ્ફાક મલેક વાત કરતા કહે છે કે, તું મિનિસ્ટર છે, ભાઇ. તને ફોન ઉંચકવામાં ભાર પડે છે ? કેટલા દિવસથી ફરિયાદ કરી છે, તમારે કામ કરવાનું નથી ? અમારા વેરાના પૈસે તમે બેઠા છે. કામ ન કરવાનું હોય તો સરકારી ઓફીસ ખાલી કરી છે. અમારા વેરાનું વળતર નહી મળે તો ઓફીસ ખાલી કરી દો. વોર્ડ નંબર 10 અને 11 માં અલગ અલગ ફરિયાદો છે. બાદમાં કચેરીના કર્મચારીઓને બહાર કાઢીને તાળાબંધી કરી દેવામાં આવે છે.
આ પણ વાંચો -- Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં મેઘ મહેર,દાંતામાં 8 ઇંચ વરસાદ