VADODARA : ઉનાળામાં ચોમાસાની ચિંતા કરતું તંત્ર, 31 ગામોમાં વિશેષ તૈયારી કરવા સુચન
VADODARA : આગામી ચોમાસાની ઋતુ (MONSOON 2024) માં સંભવિત પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે વર્ષાઋતુ-૨૦૨૪ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
રાહતના લાઈફ જેકેટ, લાઈફબોયા, બોટ જેવા સાધનો તૈયાર રાખો
નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અદ્યતન કરવા જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે સંપર્કવિહોણા થઈ જતા વિસ્તારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અગાઉથી પહોંચાડવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે નર્મદા કાંઠાના ૧૮ અને મહી કાંઠાના ૧૩ સહિત કુલ ૩૧ ગામોમાં ચોમાસામાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ આપદામિત્રો અને તરવૈયાઓની અદ્યતન યાદી તૈયાર કરવા સાથે બચાવ રાહતના લાઈફ જેકેટ, લાઈફબોયા, બોટ જેવા સાધનો તૈયાર રાખવા જણાવ્યું હતું.
વરસાદ માપક યંત્રોની ચકાસણી કરી લેવી
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે રસ્તાઓ ઉપર પાણી ભરાતા હોય તેવા રસ્તાઓ પર આગોતરા ચેતવણીસૂચક બોર્ડ મૂકવા, તળાવો, કાંસો, નહેરો, ગરનાળાઓ સહિત નીચાણવાળા વિસ્તારોની સફાઈ કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. તદુપરાંત વરસાદમાપક યંત્રોની ચકાસણી કરી લેવી જેથી વરસાદના સચોટ આંકડા મેળવી શકાય, તેમ તેમણે કહ્યું હતું.
જે રસ્તાઓ બંધ થાય તેની યાદી અત્યારથી જ તૈયાર કરો
વડોદરા જિલ્લામાં ડી. એમ. એફ. સી. સી., નેશનલ હાઈ-વે, ગ્રીન એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટના કારણે ગામડાઓમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ગત ચોમાસામાં ઉભા થયા હતા. આ પરિસ્થિતિના નિવારણ માટે સંબંધિત પ્રોજેક્ટના અધિકારીઓ અત્યારથી જ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની ગામના લોકો સાથે રહી યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડે, તેવા સંજોગોમાં જે રસ્તાઓ બંધ થાય છે તેની યાદી અત્યારથી જ તૈયાર કરીને પાણીના નિકાલ માટે ડિવોટરીંગ પંપની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી
આગામી ચોમાસા દરમિયાન સંભવિત પૂરની પરિસ્થિતિમાં નાગરિકોનું સ્થળાંતર કરવાનું થાય તો, તેવા સંજોગોમાં આશ્રયસ્થાનો અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓની યાદી તૈયાર રાખવી, જેથી યોગ્ય સમયે જરૂરી વ્યવસ્થા ઉભી કરી શકાય અને નાગરિકોની મદદ કરી શકાય, તેમ પ્રજાપતિએ અધિકારીઓને જણાવ્યું હતું. આ સાથે જ આરોગ્ય સેવાઓ અને વીજ પુરવઠો અવિરત મળતો રહે તે વિષય પર પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.
સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, ડી. પી. ઓ., મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો, વડોદરા મનપાના પ્રતિનિધિ, રેલવે, એરપોર્ટ સહિત સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : ખીસ્સામાં યુરોપિયન પાઉન્ડ અને બેગો ભરેલો સામાન લઇ બ્રિટિશ નાગરિક રોડ પર આવી ગયો !