VADODARA : કલાકો સુધી વાટ જોયા બાદ લોકોનું વિજ કચેરીએ હલ્લાબોલ
VADODARA : વડોદરા (VADODARA) માં ઉનાળામાં વિજળીનો પુરવઠાને (ELECTRICITY ISSUE) લઇને બુમો ઉઠતી હોય છે. ગત મોડી સાંજ બાદથી શહેરના બરહાનપુરા વિસ્તારમાં વિજ પુરવઠો બંધ થતા રાત સુધી સ્થાનિકોએ તેવી વાટ જોઇ હતી. આખરે કોઇ નક્કર જવાબ નહિ મળતા તમામ વિજ કચેરીએ પહોંચ્યા હતા. અને હલ્લાબોલ કર્યો હતો. ઘટનામાં મોટી સંખ્યામાં લોકો આવી જતા વિજ કંપનીના કર્મચારીઓને જવાબ આપવામાં ફાંફાં પડી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
લોકો રાહ જોઇને બેસી રહ્યા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. જેને લઇને વિજળીની માંગ વધી છે. લોકો ગરમીથી બચવાના ઉપાયોનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. તેવામાં વિજળી જતી રહે, અને ક્યારે પાછી આવશે તેની પણ કોઇ જાણ કરવામાં ન આવે તો કેવી સ્થિતી સર્જાય ! આવું જ કંઇક શહેરના બરહાનપુરા વિસ્તારમાં ગત સાંજ બાદથી થયું હતું. બરાનપુરા થી વિજયનગર સોસાયટી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી વિજળીનો પુરવઠો સાંજ બાદથી ગુલ થતા લોકો રાહ જોઇને બેસી રહ્યા હતા. દરમિયાન લાંબી વાટ જોયા બાદ પણ વિજળી ન આવતા લોકોના સબરનો બંધ તુટ્યો હતો.
સાંજથી લાઇટ ગુલ થઇ
મોડી રાત્રે શહેરના બરહાનપુરા સ્થિત વિજ કંપનીની પેટા કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અને વિજ કંપનીના કર્મચારીઓને અણિયારા સવાલો પુછ્યા હતા. લોકોના સવાલો સામે કર્મચારીઓને જવાબ આપવામાં ફાંફાં પડી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, સાંજથી લાઇટ ગુલ થઇ ગયા બાદ કેટલાક ઘરોમાં તો ચુલ્હા પણ નથી સળગ્યા. લોકો વિજળીની વાટ જોઇને બેઠા છે. પરંતુ વિજ કંપની દ્વારા કોઇ નક્કર જવાબ આપવામાં નહિ આવતા તમામ કચેરીએ પહોંચ્યા હતા. અને હલ્લાબોલ કર્યો હતો.
10 હજારથી વધુ લોકો પરેશાન
સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે, એક તબક્કે વિજ કંપનીના કર્મચારીઓને ફોલ્ટ મળી રહ્યો ન હતો. તો બીજી તરફ વિજ કચેરીએ ફોન કરે તો અડધો કલાકમાં લાઇટ આવી જશે તેમ જણાવવામાં આવતું હતું. આ લાપરવાહીમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધીના 10 હજારથી વધુ લોકો પરેશાન થયા હતા.
આ પણ વાંચો -- VADODARA : લોકસભાની ચૂંટણી માટે અધિકારીઓનું મતદાન શરૂ