Surat : રાંદેર પોલીસનો માનવીય અભિગમ, ઉત્તરાયણના દિવસે ભોજન મૂકીને બે પોલીસકર્મી બાળકીને લોહી આપવા પહોંચ્યા
આમ તો ખાખી વર્દીને જોઈને જ લોકોના મનમાં ભય ઉત્પન્ન થઈ જતો હોય છે પરંતુ, ખરેખર એવું નથી. સુરતની (Surat) રાંદેર પોલીસ (Rander Police) દ્વારા ભયનો ઓથાર હટાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં 14 જાન્યુઆરીના રોજ પોલીસ કર્મચારી માટે ઊંધિયું-પુરીના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવે છે અને તેઓને રક્ત માટે કોઈકનો ફોન આવે છે. આ ફોન પૂર્ણ થતાં રાંદેર પોલીસે તેમને મુશ્કેલી વિશે પૂછે છે અને રક્તની જરૂર હોવાનું માલૂમ પડતાં જ બે પોલીસ કર્મચારીઓ રક્ત આપવા માટે પોતાનું ભોજન છોડીને હોસ્પિટલ પહોંચે છે. આવો જાણીએ કોણ છે આ પોલીસ કર્મચારી જેમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે...
14 જાન્યુઆરી જ્યારે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા, ત્યારે બીજી તરફ 24 કલાક અને વર્ષના 365 દિવસ ખડે પગે પોતાની ફરજ પૂરી પાડતી રાંદેર પોલીસે (Rander Police) માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉતરાયણના તહેવાર નિમિત્તે રાંદેર પોલીસ સ્ટેશનમાં ઉંધિયું- પૂરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે રાંદેર પોલીસ મથકે અબ્બાસભાઈ હંસ કોઈક કામ અર્થે પોલીસ મથકે આવ્યા હતા. દરમિયાન, તેમના મોબાઇલ ફોન પર જુનેદ પટેલ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તેમને પોતાની ભત્રીજી માટે રક્તની જરૂરિયાત છે.
અબ્બાસભાઈ અને જુનેદભાઈ બંને બલ્ડ ડોનેટ વિશે ફોન પર વાત કરતા હતા ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ આ વાત સાંભળે છે અને અબ્બાસભાઇને તેમની મૂંઝવણ વિશે પૂછે છે. ત્યારે અબ્બાસભાઈ બલ્ડની જરૂરિયાત વિશે જણાવે છે. તે સમયે રાંદેર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અતુલ સોનારા પોતાના કર્મચારીઓનું લિસ્ટ કાઢે છે અને જરૂરિયાતનું 'B Positive' લોહી કોનું છે તેની તપાસ કરે છે. રાંદેર પોલીસ મથકમાં 5 વ્યક્તિઓનું રક્ત 'B Positive' હોવાની જાણ થાય છે. આ લોકો પૈકી ભાવિનભાઈ અને કિરીટસિંહ બંને જણા રક્ત આપવા માટે તૈયાર થઈ જાય છે.
જમતા જમતા બલ્ડ આપવા પહોંચ્યા
બંને વ્યક્તિઓ જમવા માટે રાંદેર પોલીસ મથકે બંદોબસ્તમાંથી છૂટા થઈને આવ્યા હતા. પરંતુ, રક્તની જરૂરિયાત વિશે માલૂમ પડતાં તેઓ ભોજન મૂકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચે છે. જો કે, ત્યાં પહોંચ્યા પછી તેમને માલૂમ પડે છે કે તેમને લોહીની નહિં પરંતુ રક્તકણની જરૂરિયાત છે. તેથી તેઓ ત્યાં પોતાના રક્તકણનું દાન કરે છે. આ રક્તકણ જુનેદભાઈની ભત્રીજી જેનાબ માટે હતા. જેનાબની ઉંમર માત્ર 15 વર્ષ છે પરંતુ, તે આંતરડાની બીમારીથી પીડાઈ રહી છે. તેથી, તેણીને સુરતની (Surat) કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. આજે સવારે જેનાબની તબિયત વધુ લથડતા તેણીને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ આંતરડાની બીમારીમાં તેના શરીરમાં શ્વેતકણ ઓછા થઈ જાય છે. તેથી તેણી આ પ્રકારની જરૂરિયાત ઊભી થઈ હતી.
બાળકીના કાકાએ કહી આ વાત
જેનાબના કાકા જુનેદભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમની ભત્રીજીને લોહીની જરૂર પડતા તરત જ અબ્બાસભાઈને ફોન કર્યો હતો. ત્યારે અબ્બાસભાઈ રાંદેર પોલીસ સ્ટેશનમાં જ હતા. ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને આ અંગે જાણ થતા તેમણે કહ્યું કે અમારું લોહી 'B Positive' છે. આથી તરત તેઓ કિરણ હોસ્પિટલ (Surat) આવ્યા હતા અને પોતાનું લોહી ડોનેટ કર્યું હતું. તહેવારના દિવસે ઓન ડ્યૂટી હોવા છતાં તેઓ હોસ્પિટલ આવ્યા અને લોહી આપી અમારી દીકરીની મદદ કરી તે માટે અમે તેમના આભારી છીએ.
આ પણ વાંચો - One Nation One Challan : ઈ-મેમો ન ભરનારાની ખેર નહીં! એપમાં રજિસ્ટ્રર્ડ વાહનનો નંબર નાખતા જ દેખાશે તમામ પેન્ડિંગ ચલણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ