SURAT : ઓનલાઇન દેહવ્યાપારની ચુંગાલમાં ફસાયેલી ચાર મોડલ મુક્ત કરાવાઇ
SURAT : સુરત (SURAT) માં ચાલતા ઓનલાઈન સેક્સ રેકેટ (ONLINE RACKET) નો સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (ATHU) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાર્યવાહીમાં દેહ-વેપારના ધંધામાં ધકેલાયેલી ચાર મોડેલને મુક્ત કરાવવામાં આવી છે. ચારેય મોડેલ મુંબઈ અને ગોવાની હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ઓનલાઈન સેક્સ રેકેટના મુખ્ય આરોપીઓ જાવેદ અને યુવરાજ નામના શખ્સો છે. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા 17-20 હજાર રૂપિયા જેટલી રકમ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
ડમી ગ્રાહક ઉભો કરી બંને દલાલોનો સંપર્ક કરવામાં આવ્યો
સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સેલ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જે અનુસાર, સુરત વેસુ વિસ્તારમાં જાવેદ અને યુવરાજ નામના બે દલાલો ઓનલાઇન દેહવ્યાપાર રેકેટ ચલાવે છે. જેમાં મુંબઈ અને ગોવા થી બોલાવવામાં આવેલી ચાર જેટલી મોડલોને સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હોટેલમાં રોકાણ કરાવ્યું છે, તેમ જાણવા મળ્યું હતું. જે બાદ સેલ દ્વારા ડમી ગ્રાહક ઉભો કરી બંને દલાલોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રેફરન્સથી ડમી ગ્રાહક દ્વારા દલાલ નો વોટ્સએપ દ્વારા સંપર્ક કરતા અલગ અલગ મોડેલો ના ફોટા મોકલવામાં આવ્યા હતા. જે બાદ ડમી ગ્રાહક દ્વારા મોડેલ નક્કી કરવામાં આવી હતી.
એક મોડલ લોકેશન પર મોકલવામાં આવી
દલાલો દ્વારા વેસુ ખાતે આવેલી હોટલ નજીક બોલાવી રાહ જોવા જણાવ્યું હતું. ત્યારબાદ સુરતના વેસુ ખાતે આવેલી હોટેલમાં રોકાયેલી ચાર પૈકીની એક મોડલને ડમી ગ્રાહકના બતાવેલા લોકેશન પર મોકલવામાં આવી હતી. જે બાદ ઓનલાઇન સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. મોડેલની પૂછપરછમાં અન્ય ત્રણ મોડેલો પણ સુરતના વેસુ ખાતે આવેલી એક ખાનગી હોટલમાં આવેલ બે અલગ અલગ રૂમોમાં હોવાની હકીકત જણાવી હતી. જ્યાં ચારે મોડેલોને દેહ-વેપારના ધંધામાંથી મુક્ત કરાવી ઊંડાણપૂર્વકની પૂછપરછ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ સેલ દ્વારા હાથ કરવામાં આવી હતી.
એક મોડલ મુળ નેપાળની મળી આવી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચારેય મોડલ મુંબઈ અને ગોવાની છે. યુવતિઓ મોડેલ બનવાના મોટા સપના સાથે માયા નગરી મુંબઈમાં આવી હતી. જેમાં એક મોડલ મુળ નેપાળની હોવાનું પણ સામે આવ્યું છે. જાવેદ અને યુવરાજ દ્વારા આ બંને મોડેલોને મુંબઈથી સુરત બોલાવવામાં આવી હતી.
3000 રૂપિયા જેટલું કમિશન મોડેલોને આપવામાં આવતું
સૂત્રોએ જણાવ્યું હતું કે દલાલ જાવેદ અને યુવરાજ ખાનદાની નબીરાઓને આ મોડેલો 17-20 હજાર રૂપિયામાં દેહ વ્યપારનો સોદો કરતા હતા. જેમાં 3000 રૂપિયા જેટલું કમિશન મોડેલોને આપવામાં આવતું હતું. એટલું જ નહીં પરંતુ બંને દલાલો વારાફરતી મોડેલો પણ બદલતા રહે છે. શહેરના બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સહિત ઊંચી હસ્તીઓ તેમના ગ્રાહકોની યાદીમાં હોવાનો અંદાજ છે.
મોડેલોને પરત પોતાના શહેર મોકલવા માટેની તજવીજ હાથ ધરાઇ
એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ સેલ દ્વારા હાલ બંને દલાલોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મુક્ત કરાયેલી ચારે મોડેલોને પરત પોતાના શહેર મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે. તપાસમાં ઓનલાઇન ચાલતા સેક્સ રેકેટમાં મોટા ખુલાસા બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો -- VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું “EVERYTHING IS CLEAR”