SOU : એકતા નગરમાં 5 ગામના અસરગ્રસ્તોને 230 દુકાનો ભાડાપટ્ટે અપાશે
STATUE OF UNITY : એકતા નગર (EKTANAGAR) ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) અને SOU : આસ પાસ અન્ય વિશ્વ કક્ષાના પ્રવાસન કેન્દ્રો (TOURIST PLACES ) વિકસાવવામાં આવેલ છે. જેની ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહેલ છે તથા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલ છે. પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિની ઝલક મળી રહે, પરંપરાગત (TRADITIONAL) વસ્તુઓનો અને ટ્રાઈબલ (TRIBAL) ફુડનો લાભ મળી રહે તેમજ સ્થાનિકોને સ્વરોજગારી મળી રહે તે માટે એક્તાનગર ખાતે આશરે 230 દુકાનો બનાવવામાં આવેલ છે.
જુદા જુદા પેકેજોના લાભ આપી સમગ્ર વિસ્તારને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા પ્રયત્ન કરાયા
સરદાર સરોવર યોજનાના કામે એક્તાનગર (કેવડીયા), વાગડીયા, નવાગામ, લીમડી અને ગોરા (પાંચ ગામ) ની જમીન સંપાદન કરવામાં આવેલ હતી. જેમાં મહદ્દઅંશે સ્થાનિક આદિવાસી ખાતેદારોની જમીનો સંપાદિત થયેલ. અસરગ્રસ્તોને સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા પુન:વસન અને પુન:સ્થાપનના જુદા જુદા પેકેજોના લાભ આપી સમગ્ર વિસ્તારને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા પ્રયત્ન કરાયેલ છે. જેના ભાગરૂપે ઉક્ત ગામોના મૂળ અસરગ્રસ્ત ખાતેદારો/તેઓના વારસોને ઉપર્યુક્ત દુકાનો ફાળવવા માટે તમામ પાસાઓ અંગે વિચારણા કરી, દુકાન ફાળવવા અંગેની લાયકાતો, દુકાન ફાળવવાની પ્રક્રિયા અને શરતો સહિતની સર્વગ્રાહી નીતિ સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક મુકેશ પુરી અને સંયુકત વહીવટી સંચાલક ઉદિત અગ્રવાલની રાહબરીમા તૈયાર કરીને અમલમાં મુકવામાં આવી છે.
દુકાન ફાળવણી માટે ઉચ્ચ અધિકારીઓની સમિતીની રચના
દુકાન ફાળવણી અંગે નિર્ણય કરવા માટે અધિક્ષક ઇજનેર, નર્મદા યોજના મુખ્ય કામ વર્તુળની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની સમિતીની રચના કરવામાં આવી છે, દુકાન ફાળવણીની સર્વગ્રાહી નિતિ મુજબ દુકાન ફાળવણી માટે આવેલ અરજીઓને ધ્યાને લઇને આખરી નિર્ણય આ સમિતિ કરશે.
1) અધિક્ષક ઈજનેર, નર્મદા યોજના મુખ્ય કામ વર્તુળ, એક્તાનગર – અધ્યક્ષ
2) અધિક કલેક્ટર-1, SOUADTGA, એકતા નગર – સભ્ય
3) નાયબ કલેક્ટર અને વહીવટદાર, એકતા નગર – સભ્યસચિવ
4) નાયબ કલેક્ટર યુનીટ-4, SOUADTGA, એકતા નગર – સભ્ય
5) કાર્યપાલક ઈજનેર, નર્મદા યોજના વસાહત વિભાગ નં. 3 એક્તાનગર: સભ્ય
યોજનાના કામે એકતાનગર(કેવડીયા), વાગડીયા, લીમડી, ગોરા, નવાગામની જમીન સંપાદન કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર યોજનાના કામે એકતાનગર(કેવડીયા), વાગડીયા, લીમડી, ગોરા, નવાગામની જમીન સંપાદન કરવામાં આવેલી હતી. જે મૂળ અસરગ્રસ્ત ખાતેદારોની જમીનો સંપાદન કરવામાં આવેલ તેઓના પુન:વસન માટે સરકાર દ્વારા સન. 1992, 2013, 2015 અને 2018 માં પેકેજ જાહેર કરી લાભ આપવામાં આવેલ છે. વધુમાં મૂળ અસરગ્રસ્ત ખાતેદારો/તેઓના વારસદારોને રોજગારીની તક મળે તથા પ્રવાસીઓ માટે સારી બજાર વિકસે તે હેતુથી એક્તાનગર ખાતે બનાવેલ 230 દુકાનોની ફાળવણીની નીતિ નક્કી કરવામાં આવે છે.
લાભાર્થી સહિતના ગ્રામજનોને માહિતી પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી
સમગ્ર બાબતે પ્રાંત અધિકારી, રાજપીપલા અને નાયબ કલેકટર અને વહીવટદાર એકતા નગર,સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના ડૉ. કિશનદાન ગઢવીએ આ બાબતે જણાવ્યું હતું કે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સ્થાનિક 5 ગામના અસરગ્રસ્તોના વ્યાપક હિતમાં સર્વગ્રાહી નીતિ જાહેર કરાયેલી છે તેના માટે કચેરી ખાતે વિના મૂલ્યે ફોર્મ વિતરણ કરાઇ રહ્યું છે, ગ્રામ પંચાયતોના તલાટી સહિતના તંત્રને લાભાર્થી સહિતના ગ્રામજનોને માહિતી પહોંચાડવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, નિયત ફોર્મ ભરવા માટે કોઈ પણ તકલીફ પડે તો કચેરીના કર્મચારીઓ પણ ફોર્મ ભરવા મદદરૂપ થશે.
આ પણ વાંચો -- RAJKOT : કોર્પોરેટર પાસેથી સમિતિનું ચેરમેન પદ છીનવાયુ..વાંચો વિગતવાર