STATUE OF UNITY માં સપ્તાહના અંતે ઉમેરાશે નવલું નજરાણું
STATUE OF UNITY : સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસનસ્થળ બન્યું છે, દેશ-વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે. મુલાકાતીઓના વિશાળ સમુદાય સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણીના શુભ આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુકત ઉપક્રમે આ સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી વચ્ચે કરાર
સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂં પાડે છે, ત્યારે ભારતની અને ખાસ કરીને આદિવાસી સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાણકારી અને ઝલક વિશાળ સંખ્યામાં આવતા મુલાકાતીઓને મળી રહે અને ભારત દેશની સંસ્કૃતિને વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) અને ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI) વચ્ચે થયેલા સમજુતી કરાર મુજબ દર શનિવાર અને રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા બસ બે ખાતે સાંજે ૬.૧૫ થી ૭.૦૦ કલાક સુધી અને એકતા ફૂડ કોર્ટ ખાતે સાંજે ૮.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. આજે તા.૧ મે ૨૦૨૪ ગુજરાત સ્થાપના દિવસની સંધ્યાએથી આદિવાસી મેવાસી નૃત્ય પ્રસ્તુત કરીને આ આયોજનનો પ્રારંભ કરવામાં આવશે.
વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ
આ સમગ્ર આયોજન બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) ના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સમૃધ્ધ વારસાથી ભરપુર છે, ત્યારે અત્રે દેશ-વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારત દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે SoUADTGA ના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI) ના સહયોગથી સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
ગુજરાતના આ આદિવાસી નૃત્યો થશે પ્રસ્તુત
- નર્મદા - મેવાસી નૃત્ય
- દાહોદ – તલવાર નૃત્ય
- છોટાઉદેપુર – ઘેર નૃત્ય /હોળી નૃત્ય /ભીલ ગરાસીયા નૃત્ય
- બનાસકાંઠા - હોળી નૃત્ય /ભીલ ગરાસીયા નૃત્ય
- નવસારી - તુર નૃત્ય / ધોડીયા પટેલ નૃત્ય
- ડાંગ – કહાડીયા નૃત્ય / પાવરી નૃત્ય
- સુરેન્દ્રનગર – હલેસા નૃત્ય / પઢાર નૃત્ય
- ગીર સોમનાથ – સિદ્દી ધમાલ નૃત્ય
- તાપી – ડોબરૂ નૃત્ય
આ પણ વાંચો -- VADODARA : શહેર ભાજપના નવા કાર્યાલયના ઉદ્ધાટન માટે હજી રાહ જોવી પડશે