Sabarkantha : સાબરડેરીના વર્તમાન ચેરમેન અને મેઘરજ બેઠક બિનહરીફ, માન્ય ઉમેદવારોને મેન્ડેટનું ટેન્શન શરૂ!
Sabarkantha: સાબરડેરીના (Sabardari) નિયામક મંડળની 10 મી માર્ચે યોજાનાર ચૂંટણી પૂર્વે સોમવારે હિંમતનગર (Himmatnagar) પ્રાંત દ્વારા માન્ય અને અમાન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરાઈ છે. ત્યારે ડેરીના 16 ઝોન પૈકી બે ઝોનના ઉમેદવારો બિનહરીફ બન્યા છે, જેમાં બાયડ-1 વિભાગમાં ચૂંટણી લડી રહેલા અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Milk Marketing Federation) તથા સાબરડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ બાલાભાઈ પટેલ બિનહરીફ થયા છે. સાથોસાથ મેઘરજ ઝોનના ઉમેદવારને પણ બિનહરીફ થવાનો મોકો મળ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે સાબરડેરીના 17 ઝોનમાં ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે 132 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ વિભાગોમાં ઉમેદવારો સામે આવેલી વાંધા અરજીઓનો નિકાલ કરાયો હતો. આખરે સોમવારે માન્ય અને અમાન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરાઈ હતી. જે મુજબ, ભરાયેલા 132 ઉમેદવારીપત્રો પૈકી 78 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે, જયારે વિવિધ કારણોસર 54 ઉમેદવારીપત્રો અમાન્ય ઠર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી કરનાર સાબરડેરીના (Sabarkantha) ચેરમેન શામળભાઈ પટેલ (Shamalbhai Patel) અને મેઘરજ વિભાગના જયંતીભાઈ પટેલ (Jayantibhai Patel) બિનહરીફ થયા છે, જેથી હવે 14 વિભાગની ચૂંટણીનું મતદાન આગામી તા. 10 માર્ચે યોજાશે. જો કે, તા. 29 ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચવાની મુદત હોવાથી આખરી ઉમેદવારોની યાદી તા. 1 માર્ચે પ્રસિધ્ધ થશે. ત્યારબાદ માન્ય ઉમેદવારોને વિભાગવાર ભાજપ દ્વારા ચૂંટણી લડવા માટે મેન્ડેટ અપાશે, જેને લઈને અત્યારે 14 વિભાગના દાવેદારો ચિંતામાં પરોવાઈ ગયા છે.
કયા ઝોનમાં કેટલાં ઉમેદવારીપત્રો માન્ય ઠર્યાં :
ઝોન-1 ખેડબ્રહ્મા - 03
ઝોન-2 વડાલી - 05
ઝોન-3 ઈડર/1 - 08
ઝોન-4 ઈડર/2 - 05
ઝોન-5 ભિલોડા - 08
ઝોન-6 હિંમતનગર/1 - 06
ઝોન-7 હિંમતનગર/2 - 02
ઝોન-8 પ્રાંતિજ - 08
ઝોન-9 તલોદ - 07
ઝોન-10 મોડાસા/1 - 05
ઝોન-11 મોડાસા/2 - 04
ઝોન-12 મેઘરજ - બિનહરીફ
ઝોન-13 માલપુર - 05
ઝોન-14 ધનસુરા - 06
ઝોન-15 બાયડ/૧ - સાબરડેરીના ચેરમેન બિનહરીફ
ઝોન-16 બાયડ/2 - 04
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - kheda : મહેમદાવાદ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થવાની છે : દેવુસિંહ ચૌહાણ