VADODARA : રાજકોટની ઘટના બાદ હરણી બોટકાંડમાં મૃતકના પરિવારનું દુ:ખ છલકાયું
VADODARA : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના (Rajkot TRP Game Zone Fire) જોઇને વડોદરાના હરણી બોટકાંડમાં (Vadodara Harni Boar Tragedy) પોતાનો વ્હાલસોયો દિકરો ગુમાવેલા પરિવારની વેદના છલકાઇ આવી છે. જાન્યુઆરી માસમાં વડોદરાના હરણી બોટ કાંડમાં બોટ પલટી જતા 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં પોતાનો વ્હાલસોયું સંતાન ગુમાવનાર વાલીઓ હજી ન્યાય ઝંખી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. તેવામાં રાજકોટની દુર્ઘટના સામે આવી છે. જેને લઇને તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું છે.
આ વસ્તુ ક્યાં સુધી ચાલશે
હરણી બોટકાંડમાં મૃતક બાળક વિશ્વકુમારના પિતા કલ્પેશભાઇ નિઝામા મીડિયા સાથેની વાતમાં જણાવે છે કે, હરણી બોટ કાંટનો દિવસ કાળો દિવસ હતો. 12 માસુમ ભુલકાઓના ઘર સુના થઇ ગયા હતા. અમારી માટે અત્યાર સુધીના ચાર મહિના ભારે દુખદ રહ્યા છે. આ મામલે ચાર્જશીટ થઇ ગઇ છે. અને કેટલાકને જામીન પણ મળી ગઇ છે. આ વસ્તુ ક્યાં સુધી ચાલશે, આજે આ લોકોને જામીન મળી ગયા. તેવી જ રીતે તેમની ફરિયાદ નોંધાશે, અને તેમને પણ જામીન મળી જશે ! ન્યાય મળશે કે નહિ મળે, અમે તે વિચારી રહ્યા છીએ. સરકાર નીચે માથુ નાંખીને આવે છે, અને કહે છે કે કોઇ ચમરબંધીને નહિ છોડવામાં આવે. તમારા હાથમાં સત્તા છે, તમે જે ચાહો તે કરી શકો છે. તમને વોટ આપીને જીતાડીએ છીએ, શા માટે ? અમે વોટ આપીએ છીએ તો તમે જીતો છો.
અમારા આંસુ સુકાયા નથી
વધુમાં તેમણે જણાવ્યું કે, આવી દુર્ધટનામાં જે ગુનેગારો છે, તેમને સજા કેમ નથી અપાવતા, તમારા હાથમાં સત્તા છે, તમે ચાહો તે કરી શકો છે. પહેલાના સમયમાં રાજા ન્યાય કરતા હતા. પહેલા કોઇ પણ સમસ્યામાં રાજા ન્યાય અપાવતા હતા. અત્યારે તમે રાજા છો, તો ન્યાય કેમ અપાવતા નથી. ચાર મહિના થઇ ગયા, અમારા આંસુ સુકાયા નથી. ત્યાં તો રાજકોટમાં ઘટના સામે આવી. અમે તો અમારા બાળકોના મોઢા પણ જોઇ શક્યા હતા. પરંતુ રાજકોટમાં તો છોકરાઓના ડીએનએ ચેક કરશે કે તમારો છોકરો છે કે નહિ. કેટલી ખરાબ કન્ડીશન છે. આવું ને આવું ચાલ્યા કરશે, તો બીજી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે !? જેની ગોદડી જાય તેને ટાઢ વાય.
સાંજે અચાનક જ તેમનો અંત આવી ગયો
મૃતક બાળકના માતા જણાવે છે કે, આગ એટલી ભભકી ઉઠી કે લોકોના મૃતદેહ બળીને ખાખ થઇ ગયા છે. નાના બાળકો વેકેશન એન્જોય કરવા ગયા છે ગેમ ઝોનમાં, સાંજે અચાનક જ તેમનો અંત આવી ગયો. રાજ્યમાં આ શું થવા બેઠું છે, અત્યારે નદી તળાવોમાં જઇ રહ્યા છે, ત્યાં પણ મૃત્યુની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં તો હજી મૃત્યુ આંક વધી રહ્યો છે. વડોદરાના લેકઝોનમાં 12 બાળકો ગયા છે, ત્યાર બાદ આંખ ઉઘડતી નથી. આવનાર સમયમાં કેટલા લોકોના જીવ જશે !?
બોલવું સહેલું છે
વધુમાં તેમણે ઉમેર્યું કે, નેતાઓ કહે છે કે, એક પણ ચમરબંધીને છોડવામાં નહિ આવે, તો આ ચમરબંધી કેમ છુટ્યા, આ રીતે ચમરબંધી છુટી જશે તો ન્યાય ક્યાંથી મળશે. આગળ પાલિકા અને શાળામાંથી તો જવાબદારોને પકડવાના બાકી છે. તંત્રના પાપે અમારા બાળકોના જીવ ગયા છે. ચમરબંધીઓને છોડવામાં નહિ આવે તે બોલવું સહેલું છે. અમારા બાળકો ગુમાવ્યાના ચાર મહિનામાં જ 33 લોકોના જીવ ગયા છે. આ જોતા આવનાર સમયમાં કેટલી ખરાબ પરિસ્થીતી થઇ શકે છે, અંદાજો લગાડો ! ગુનેગારોને કડકમાં કડક સજા કરો.
આ પણ વાંચો -- VADODARA : રાજકોટ અગ્નિકાંડથી શહેરની દિકરી વ્યથિત, પુછ્યા અણિયારા સવાલો