PANCHMAHAL : મેશરી નદી કચરાને કારણે ગંદા પાણીના નાળા સમાન બની
PANCHMAHAL : ગોધરા (GODHRA) શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી (MESRI RIVER - GODHRA) ની સફાઈ કરવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે, જો ચોમાસા પૂર્વે મેશરી નદીની સફાઈ નહીં કરવામાં આવે તો નદી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં નદીનો વરસાદી પાણી ઘૂસી જવા ની દહેશત વ્યાપી ગઈ છે, ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં આવેલ વ્હોરવાડ કોઝ વે પાસે આડેધડ નદીમાં કચરો ઠાલવામાં આવી રહ્યો છે, જેને લઇ હાલ મેસરી નદી આ વિસ્તારમાં જમીન લેવલે થઈ જવા ઉપરાંત પાણીનો નિકાલ માર્ગ અટકી ગયો છે. ત્યારે ચોમાસા પૂર્વે કોઝવે ની પાઈપમાં સફાઈ કરવા માટે રજુઆત કરવામાં આવી છે અને મેશરી નદી હાલ મૃત:પ્રાય અવસ્થામાં ફેરવાઈ રહી છે. સાથેજ હાલ નદીમાં થતાં આડેધડ માટી પુરાણ અને કચરો ઠાલવતા અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહેતાં અહીંના સ્થાનિક રહીશો અને અગ્રણીઓ સરકાર અહીં પ્લોટીંગ કરશે કે શું જેવા માર્મિક ચાબખા પણ વીંઝી રહ્યા છે. ત્યારે મેશરી નદીનો વિકાસ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવે એવી પણ માંગણી શહેરીજનો દ્વારા કરવામાં આવી છે.
આગામી દિવસો માટે ખતરો
પ્રાચીન કાળ થી જ ભારત નદીઓનો દેશ રહ્યો છે. ભારતની ભૂમિ માં નદીઓ એવી રીતે પથરાયેલી છે જેમ શરીરમાં નસો ફરે છે. શરીરમાં વહેવા વાળું લોહી અને નદીઓમાં વહેવા વાળુ પાણી બંને જીવન માટે અતિ ઉપયોગી છે. નદીઓ એ જ વિશ્વની અને ભારતની પ્રાચીનતમ સભ્યતાઓને પોતાની ગોદમાં વસાવીને વિકસિત કરી છે જેની ગૌરવ ગાથાઓ ગાતા આજે પણ આપણે થાકતા નથી. અનેક સભ્યતાઓની જન્મદાત્રી, ઋષિ મુનિઓ અને સનાતન સંસ્કૃતિની આરાધ્ય દેવી, જીવ જંતુ તથા વનસ્પતિઓ ના જીવનનો આધાર હોવા છતાં પણ વર્તમાન સમયમાં માતાના દરજ્જો પ્રાપ્ત એવી નદીઓને જે રીતે માનવજાત લજ્જાહીન બનીને પ્રદૂષિત કરી રહી છે. તે જોતા ભવિષ્ય માટે ખૂબ જ મોટો ખતરો તોડાઈ રહ્યો છે અને હાલ નદીઓને પ્રદુષિત બનવવામાં આવી રહ્યું છે જે આગામી દિવસો માટે ખતરો બની શકે છે. જેને લઈ હાલ નદીઓમાં થયેલ પ્રદુષણને દૂર કરવા તેમજ નદીઓનો પાવિત્ર પાછું લાવા માટે લોગ માગ ઉઠવા પામી છે. આજે વાત કરવી છે, પંચમહાલ જિલ્લાની એ નદી કે જેને મુખ્ય મથક ગોધરાની જીવા દોરી અને ગોધરા શહેર અને જિલ્લાની આન બાણ અને શાન સમાણ ગણવામાં આવે છે. ગોધરા શહેર સહિત જિલ્લામાંથી પસાર થતી મેસરી નદીની છેલ્લા ઘણા વર્ષોથી દુર્દશા થઈ રહી છે છતાં આજ દિન સુધી તંત્રના પેટના પેટનું પાણી હલતું નથી. ગોધરાની મધ્યથી પસાર થતી મેશરી નદીની જેની હાલત જોઈ તમે પણ ચોકી જશો. આ કોઈ સુંદર રડીયામણી નદી મટીને જાણે કે, કોઈ સાંકડું અને ગંદુ પાણીનું નાળું બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
મચ્છરોનો ખુબ જ ઉપદ્રવ
ગોધરા શહેરમાંથી પસાર થતી અને જિલ્લાના અનેક ગામડાઓમાંથી પસાર થતી મેસરી નદીની હાલત દયનિય બની છે. મેસરી નદીની હાલત યોગ્ય જાળવણીના અભાવે દિનપ્રતિદિન મૃત:પ્રાય અવસ્થામાં ફેરવાઈ રહી છે. નદીમાં દુષિત પાણી અને કચરો હાલ ઠાલવવામાં આવી રહ્યો છે જેને લઈ મચ્છરો નો ખુબ જ ઉપદ્રવ થઈ રહ્યો જેની સીધી અસર નદી કાંઠે વસવાટ કરતાં રહીશોના સ્વાસ્થ્ય ઉપર જોવા મળી રહી છે. એક તબક્કે બે કાંઠે વહેતી નદી માં હાલ તો ગટરના પાણી વહેતા જોવા મળી રહ્યા છે જેના કારણે આ મેસરી નદી હાલ ગટરના ગંદા પાણીથી ખડબદી રહી છે. તેમજ મેસરી નદી ની સફાઈ અને જાળવણી કરવા સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ માં માંગ ઉઠી છે. સાથેજ આ મેશરી નદી માં યોગ્ય સ્થળે ચેકડેમ બનાવી શુદ્ધ પાણીનો પ્રવાહ સતત વહેતો રહે અને બંને કાંઠે વોક વે બનાવવામાં આવે એવી પણ માંગ ઉઠવા પામી છે.
પાણીનું વહેણ રોકાઈ ગયું
એક સમયે ગોધરા શહેરની શાન કહેવાતી મેસરી નદી હાલ જાળવણીના અભાવે દિન પ્રતિદિન મૃતપ્રાય અવસ્થામાં ફેરવાઈ રહી છે. નદીની કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી કે દેખરેખ રાખવામાં આવતી નથી જેથી કચરો ઠાલવવા વાળાને છૂટો દોર મળી ગયો હોય એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ગોધરા શહેરના વ્હોર વાડ વિસ્તાર પાસે નદીમાં આડેધડ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે જેના કારણે આ વિસ્તારમાં નદી ના પાણીનું વહેણ રોકાઈ ગયું છે. જેથી જ ચોમાસા માં અહી કોઝ વે ઉપર પાણી ફરી વળતો હોય છે અને તંત્રને સામાન્ય વરસાદમાં પણ આ માર્ગ બંધ કરવાની ફરજ પડતી હોય છે. આ ઉપરાંત નદીમાં સતત વરસાદી વાતાવરણ દરમિયાન પાણીનું વહન વધતા જ કૂબા મસ્જિદ, નવા બહારપુરા અને સાતપુલના રહેણાંક વિસ્તારમાં નદીનું પાણી ઘુસી જતુ હોય છે. જેથી વિસ્તારના રહીશોની હાલત કફોડી બનતી હોય છે. સ્થાનિક રહીશો અને અગ્રણીઓ દ્વારા આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આગામી દિવસોમાં આ મેશરી નદી માં સફાઇ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ અહીંના અગ્રણીઓ ઉચારી રહ્યા છે.
વિકાસ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવે
ગોધરા શહેરમાંથી પસાર થતી મેશરી નદી અંગે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે, અગાઉ નદી રમણીય વાતાવરણ અને અંદાજિત ૧૦ ફૂટ ઊંડાઈ ધરાવતી હતી જે હાલ લુપ્ત થઈ રહી છે. જેનું કારણ અંદર ઠાલવવામાં આવતો કચરો છે. ત્યારે આ કચરાને દૂર કરી નદી ના પાત્ર ને સાફ કરી અને નદીને જીવિત કરવા સાથે વિકાસ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવે જેથી શહેરિજનો અને સહેલાણીઓ હરવા ફરવા માટે ગોધરા આવી શકે અને ગોધરા શહેરનો પણ વિકાસ થાય. સાથેજ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પ્રચાર્થે ગોધરા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ને ગોધરાના ડો સુજાત વલી દ્વારા રજુઆત કરી મેશરી નદીને પુનર્જીવિત કરવા રજુઆત કરી હતી. દરમિયાન મુખ્યમંત્રી એ ઉત્સાહભેર નદીને પુનર્જીવિત કરવાની બાબતને આવકારદાયક ગણાવી હતી અને બસો કરોડ ફાળવણી કરી નદીના વિકાસ માટે ચેકડેમ બનાવવા અને સફાઈ કામગીરી કરવાની ખાતરી આપી હતી સાથેજ રાજ્યની અન્ય નદીની કામગીરી અંગે પણ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ના હૈયાધારણા આપ્યા બાદ જોકે હજી પણ મેશરી નદી સફાઈ લગતી બાબતની કોઈ હિલચાલ જોવા મળી નથી. પરંતુ સ્થાનિય અધિકારી દ્વારા લોકોએ કરેલ રજુઆત ને લઈ વહેલી તકે મેશરી નદીની સફાઈ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સ્થાનિક તંત્ર નદીની જાળવણી માટે ક્યારે જાગશે અને આજુબાજુના રહીશોને દર ચોમાસામાં ભોગવી પડથી હાલાકીમાંથી મુક્તિ ક્યારે અપાવશે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો -- GONDAL : આશાપુરા ડેમમાં તણાતો યુવક બચાવાયો, મોકડ્રીલ સફળ