Mahashivratri : વલસાડમાં 11 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર
મહાશિવરાત્રિના (Mahashivratri) પર્વને ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર શિવભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વલસાડ (Valsad) જિલ્લામાં શિવરાત્રી મહોત્સવની અત્યારથી શરૂઆત થઈ ગઈ છે. ધરમપુરના (Dharampur) વાંકલ ગામમાં શિવરાત્રી મહોત્સવને લઈ 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના મહાકાય શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. ધરમપુરના બટુક મહારાજનું રુદ્રાક્ષનું શિવલિંગ ચાર વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Limca Book of World Records) સ્થાન પામનાર છે.
વલસાડ જિલ્લાના ધરમપુરનાં વાંકલ ગામમાં (Wankal) મહાશિવરાત્રિ પર્વની દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ઊજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. વાંકલ ગામમાં ધરમપુરના બટુક મહારાજના (Batuk Maharaj) 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના મહાકાય શિવલિંગની (Rudraksha Shivling) સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે પણ 11 લાખ રુદ્રાક્ષમાંથી બનેલું આ મહાકાય શિવલિંગ ભક્તોને ખૂબ જ આકર્ષી રહ્યું છે. સતત ચાર વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર ધરમપુરના બટુક મહારાજનું રુદ્રાક્ષનું શિવલિંગ શિવરાત્રી મહોત્સવમાં આકર્ષણ જમાવી રહ્યું છે.

11 લાખ રુદ્રાક્ષનું 15 ફૂટ ઊંચું શિવલિંગ
મહત્ત્વપૂર્ણ છે કે રુદ્રાક્ષને ભગવાન શિવના (Lord Shiva) આંખમાંથી સરી પડેલા આંસુ તરીકે સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે અને રુદ્રાક્ષના શિવલિંગના અભિષેકથી અનેક ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. આથી રુદ્રાક્ષનું શિવલિંગ ભક્તો માટે પણ આકર્ષણનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. હિન્દુ શાસ્ત્રમાં શિવલિંગ પૂજાનું અતિશય મહત્ત્વ છે અને રુદ્રાક્ષના શિવલિંગનું શાસ્ત્રમાં ધાર્મિક મહાત્મ્ય અનેરું છે. શિવજીનું પૂજન હોય ત્યાં રુદ્રાક્ષ અવશ્ય હોય છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ધરમપુરના વાંકલ ગામે 11 લાખ રુદ્રાક્ષનું 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું છે. ધરમપુરના ખારવેલના વતની એવા બટુક મહારાજ દ્વારા મહાશિવલિંગ બનાવાયું છે.
રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવ છે
માત્ર રુદ્રાક્ષના (Rudraksha) ઉપયોગથી બનાવામાં આવેલા આ શિવલિંગનો વધુ તેજ હોવાનું શાસ્ત્રમાં મનાઈ રહ્યું છે. રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવ છે. શિવજીની આંખોમાંથી જે આશ્રું સરી પડ્યા અને તેના જે વૃક્ષો થયા તે રુદ્રાક્ષ છે. અનેક પ્રકારના રુદ્રાક્ષ હોય છે અને દરેક રુદ્રાક્ષ એ શિવ છે. ત્યારે રુદ્રાક્ષ પર જો અભિષેક કરવામાં આવે તો શિવલિંગ અર્ચન થયું એમ માનવામાં આવે છે. એક રુદ્રાક્ષ પર પાણી ચડાવવું અર્થાત એક લિંગાર્ચન... તો 11 લાખ રુદ્રાક્ષ એટલે 11 લાખ શિવલિંગ પર પાણી ચડાવવાનો લાભ ભક્તોને મળી રહ્યો છે. કુદરતના સાનિધ્યમાં બનાવાયેલ આ મહાકાય રુદ્રાક્ષ શિવલિંગના દર્શાનર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. અહી શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવા વિરાટ અને અદ્ભૂત શિવલિંગના દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.
આ પણ વાંચો - Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત છે અને આ વિકસિત ગુજરાત માટે…