નવી દિલ્હીમાં 6 ઑક્ટોબરે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું કર્ટેન રેઇઝર યોજાશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ને 20 વર્ષ પૂર્ણ થયા છે.આ બે દાયકાઓમાં,માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ સમિટ દેશના અન્ય રાજ્યો તેમજ વિશ્વ માટે પથ પ્રદર્શક બની છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા, ઈમેજીનેશન અને ઈમ્પ્લીમેન્ટેશન (વિચાર,કલ્પના અને અમલીકરણ)ના મૂળ તત્વો આધારિત એક સંસ્થા તરીકે ઉભરી છે.
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાશે કાર્યક્રમ
VGGS ની 10મી આવૃત્તિ ગુજરાતની ‘મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ થી ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (‘રોકાણો માટે સૌથી વધુ પસંદગીના સ્થળ’થી ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’) સુધીની સફર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે ‘ન્યૂ ઇન્ડિયા’ના વિઝનને આકાર આપશે.સફળતાની સમિટ’ તરીકે વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 6 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કર્ટેન રેઈઝરમાં ગુજરાત રાજ્યના માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને માનનીય ઉદ્યોગ (MSME, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન) રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ બે ભાગમાં યોજાશે: 1. કર્ટેન રેઇઝર ઇન્ટરેક્ટિવ સેશન (વાર્તાલાપ સત્ર) અને 2. મિશનના વડાઓ સાથે ઇન્ટરેક્શન એટલે કે વાર્તાલાપ. આ સત્રમાં વેલસ્પનના ચેરમેન શ્રી બી. કે. ગોએન્કા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે, ત્યારબાદ ઓડિયો-વિડિયો ફિલ્મનું સ્ક્રીનિંગ બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી શ્રી રાજેશ કુમાર સિંઘ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે સંબોધન
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં તેમના અનુભવો અંગે વાત કરશે. આ સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે.સાંજે 'ઈન્ટરેક્શન વિથ હેડ ઓફ મિશન' એટલે કે મિશનના વડાઓ સાથે વાર્તાલાપ યોજાશે, જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, માનનીય કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ કર્ટેન રેઇઝર કાર્યક્રમ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણકે તે જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશભરમાં અને વિશ્વમાં એક વાતાવરણ ઊભું કરશે અને વિવિધ દેશો તેમજ ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓને ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજિત થનારી આ સમિટમાં ઉચ્ચ સ્તરીય સહભાગિતા માટે આમંત્રિત કરશે.
આ પણ વાંચો-VADODARA : પોલીસની ખોટી ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ્યો