Chotaudepur : આ પુલના ખાતમૂહર્ત સાથે હું ઉદ્ઘાટનનુ પણ વચન આપું છું: ભીખુસિંહ પરમાર
અહેવાલ -જયદીપ પરમાર,છોટાઉદેપુર
બોડેલી પાસે આવેલા રણભૂન ઘાટી ગામમાંથી પસાર થતી મેરીયા નદી પર આજે પાટિયા ગામને જોડતા બ્રીજનું ખાતમૂહર્ત છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના કરકમળોથી કરવામાં આવ્યું. આજરોજ રણભૂન ગામે પ્રભારી મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી,અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભીખુસિંહ પરમારે વિધિવત રીતે મેરીયા નદી પર બંધાનારા પુલનું ખાતમૂહર્ત કર્યું હતું.
ખાતમૂહર્ત પ્રસંગે પ્રભારી મંત્રી ઉપરાંત, જેતપુર-પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, સંગઠનના જીલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, જીલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ગામના સરપંચ, જીલ્લાના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં અહી જોડાયા હતા.
ખાતમૂહર્ત માટે યોજાયેલા સમારંભમાં પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ ગામમાંથી પસાર થતી નદી પર સરળતાથી વાહનો પસાર થાય તે રીતે ડીપ બ્રીજ છે પરંતુ આપ ગ્રામજનોની રજુવાત હતી કે ચોમાસાની સિઝનમાં પાણી ઉપરથી જતું હોવાથી બંને ગામ વચ્ચેનો સંપર્ક શક્ય બનતો નથી. ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર જે નિર્ણય લે છે તે ગરીબ અને સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને તેમને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય તેવો ઉકેલ લાવે છે. વર્ષો પહેલા આપણે સારા ચોખ્ખા રોડ જોવા હોય તો વિદેશમાં જ જવું પડતુ, હવે ના સમયમાં આપણા ગુજરાતના ગમે ગામને જોડતા પાકા રોડ જોવા મળે છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, સી.આર પાટીલ તેમજ ગુજરાત સરકારના પ્રજાલક્ષી નિર્ણયોને કારણે આપણે કેટલાય ખાતમુહ્રતો કરીએ છીએ અને એ ખાત મૂહર્ત પર રોડ કે પુલ બંધાઈ ગયા પછી તેનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ, આ વેળા એ હું તમને વચન આપું છુ કે આ પુલનું ઉદ્ઘાટન કરવા પણ હું જ આવીશ. ૭૦૦ લાખના ખર્ચે બંધાનારા આ પુલને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેની મારી ખાતરી છે.
આ ઉપરાંત જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે રણભૂનથી પાટિયા જતો આ પુલ બનાવવા માટે ઘણા સમયથી પ્રજાની માંગણી હતી, અગાઉ પણ આપણે ગ્રામ વિકાસ ઉત્થાન માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગમે ગામ લાભ આપ્યો છે. છોટાઉદેપુર જીલ્લાના મુખ્ય માર્ગમાંનો એક રોડ આ પણ છે, જે ચોમાસામાં નદીમાં પાણી ભરાતા બંધ થઈ જાય છે. માટે અમે સરકાર સમક્ષ રજુવાત કરીને આ પુલ મંજુર કરાવેલ છે.
અત્રે ઉલેખનીય છે કે આ પુલને વહેલી તકે કામ શરુ કરીને ૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ પુલની લંબાઈ ૧૪૪ મીટર છે અને ૧૨ મીટરના અંતરે ૧૨ સ્પાન ઉભા કરવામાં આવશે. આ પુલ છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકા તરફથી પાવાગઢ જવા માટે તેમજ પાવી જેતપુર અને બોડેલી તાલુકાને જામ્બુઘોડા તાલુકા સાથે જોડતો અગત્યનો માર્ગ છે. આ પુલના બાંધકામથી આશરે ૨૫ હજાર જેટલી વસ્તીને પ્રત્યક્ષ રીતે રોજ બરોજના વાહન વ્યવહારમાં ઉપયોગી થશે.
આ પણ વાંચો-વિધર્મીએ યુવતીના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો, વાંચો અહેવાલ