Chhotaudepur : શિક્ષકોને પુરવણી બિલની ચુકવણીમાં રૂ. 50 લાખનું મસમોટું કૌભાંડ ! તપાસનો ઘમઘમાટ શરૂ
Chhotaudepur : મળેલ માહિતી પ્રમાણે, બોડેલી (Bodeli) તાલુકાના શિક્ષકોને પુરવણી બિલોની ચૂકવણી માટે રૂ. 5 કરોડ 8 લાખની ગ્રાન્ટ વર્ષ 2023 માં ફાળવવામાં આવી હતી, જેમાં 268 જેટલા શિક્ષકોને નાણાંની ચુકવણી કરવામાં આવી હતી. પરંતુ, એક લેખિત ફરિયાદ વિકાસ કમિશનરને કરવામાં આવી, જેમાં આ ચુકવણીમાં રૂપિયા 50 લાખ કરતા વધુની ઉચાપત થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે ત્વરિત, તટસ્થ અને સત્વરે તપાસ થાય તે માટે એક તપાસ ટીમની રચના કરી દેવાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
268 પૈકી કુલ 9 શિક્ષકોની ચુકવણીમાં ગંભીર છબરડાંઓનો આરોપ
બનાવની વિગતવાર વાત કરીએ તો બોડેલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોને પુરવણી બિલોની ચુકવણી માટે જિલ્લા કક્ષાએથી ફળવાયેલ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આ ચુકવણીમાં 268 પૈકી કુલ 9 શિક્ષકોની ચુકવણીમાં ગંભીર છબરડાંઓ થયા હોવાના આક્ષેપ સાથે વિકાસ કમિશનર (Development Commissioner) ગાંધીનગરને એક લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કેટલાક શિક્ષકોને બે વખત પુરવણી બિલોની ચુકવણી કરાઈ છે. તો એક શિક્ષકને તેની નીકળતી રકમ કરતાં 10 ગણું વધારે બિલ ચૂકવાયું છે. જ્યારે, કેટલાક શિક્ષકોને ઓછી ચુકવણી કરી અન્યને ચુકવણી કરવામાં આવી છે.
તપાસ કમિટીની રચના કરાઈ
ફરિયાદમાં એવો પણ આરોપ લગાવાયો કે, યાદીમાંથી એક શિક્ષકનું નામ પણ કાઢી નાખવામાં આવ્યું હતું. આ ફરિયાદમાં કુલ 9 શિક્ષકોના નામ સાથે વિગતવાર અરજી કરી છે. દલાલો દ્વારા નાણાની માંગણી કરાતા હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ તમામ હકીકતો વાળી અરજી બાબતે જિલ્લા વિકાસ અધિકારી (Development Commissioner) દ્વારા ત્વરિત પગલાં લેવા એક તપાસ કમિટીની રચના કરાઈ છે, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા હિસાબી અધિકારીની સમાવિષ્ટ ટીમને તપાસ કરવાના આદેશ કરાયા છે. જે અંતર્ગત તારીખ 16 એપ્રિલ, 2024 ના રોજ તપાસ સમિતિ દ્વારા બોડેલી ખાતે જઈ અને તપાસ કરવામાં આવતા 4 શિક્ષકો અને 4 ગ્રુપ આચાર્યોના નિવેદનો લેવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં શિક્ષકો અને ગ્રુપના નિવેદન લેવાયા
નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચુકવણું કરવામાં આવેલ તમામ 268 ની યાદીમાં સમાવિષ્ટ તમામ શિક્ષકોને કરાયેલ ચુકવણીની તપાસ કરવા બોડેલી તાલુકા વિકાસ અધિકારીને સૂચન કર્યું છે. જો કે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવેલ કે પ્રાથમિક તપાસમાં શિક્ષકો અને ગ્રુપના નિવેદન લેવાયા છે અને હજી તપાસ કાર્યવંત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં નકલી સિંચાઈ કચેરી કૌભાંડ બાદ એક પછી એક પડદા ખુલી રહ્યા હોય તેમ એક કૌભાંડની શાહી સુકાતી નથી ત્યાં નવું જ કંઈક સાંભળવા મળે છે !
અહેવાલ - તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Dilapidated School: આઝાદીના 76 વર્ષો બાદ પણ ગામમાં ભૂલકાઓ શાળા માટે કાલાવેલી કરી રહ્યા
આ પણ વાંચો - Parshottam Rupala Dispute : કુલદીપસિંહ જાડેજાએ Gujarat First સાથે કરી વાત, જાણો તેમની પ્રતિક્રિયા
આ પણ વાંચો - Gondal Sex Racket: ભરૂચના બરાનપુરા વિસ્તારમાં ઘરમાં ચાલતા દેહ વ્યાપારથી સ્થાનિકો પરેશાન