Ahmedabad : માત્ર 14 વર્ષીય નમ્રકુમાર 20 મીએ દીક્ષા લેશે, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ
Ahmedabad : મુમુક્ષુ નમ્રકુમાર (Mumukshu NamraKumar) આગામી 20 મી તારીખે સંયમનાં પથ પર જઈ રહ્યો છે. તે દીક્ષા લેવાનો છે ત્યારે જૈન સમાજ દ્વારા તેના માનમાં મણિનગર (Maninagar) વિસ્તારમાં વિશાળ રોડ શો કરવામાં આવ્યો. આ રોડ શોમાં 200 થી વધુ ફોર વ્હિલર 100 થી વધુ ટુ-વ્હિલર સાથે વિશાળ સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. મહત્ત્વનું છે કે માત્ર 14 વર્ષની ઉંમરે નમ્ર કુમાર દીક્ષા લઈ રહ્યો છે ત્યારે જૈન સમાજ દ્વારા નમ્ર સંયમ સ્પર્શનાં મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે, જેનો પ્રારંભ આજે રોડ શો થકી કરવામાં આવ્યો. આ મહોત્સવની આગામી 20 જૂન 2024 સુધી ઉજવણી કરાશે.
શોભાયાત્રામાં 200 કાર અને 108 ટૂ-વ્હિલર્સ જોડાયાં
શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથ આદિ સર્વ સંપ્રદાયો દ્વારા જિનશાસનની એકતા અને પ્રભાવનાનાં પ્રતિક સ્વરુપ મણિનગર (Maninagar) કાંકરિયા જૈન યૂથ સંચાલિત મુમુક્ષુ નમ્રકુમારનાં સંયમની અનુમોદનારુપે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી (Kankaria football ground) કરવામાં આવ્યું હતું. કાંકરિયા હીરપુર જૈન સંઘમાં બાળ મુમુક્ષુની દીક્ષાવિધિનાં ભાગરુપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રાને લીલીઝંડી આપવાનું કાર્ય સાધર્મિકવત્સલ કલ્પેશભાઈ વી. શાહ તથા જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી ડૉ. ભૂપેનભાઈ, નીરવભાઈ આદિ તથા પ્લેટિનમ સ્થંભ લાભાર્થી પરિવાર દ્વારા કરાયું હતું. 200 થી વધુ ફોર વ્હિલર્સ અને 108 થી વધુ ટૂ-વ્હિલર્સ સાથે આ રેલી પૂર્વ વિસ્તારમાં ભવ્ય રીતે જોવા મળી હતી.
મુમુક્ષુ નમ્ર કુમારે શુભેચ્છાઓ સ્વિકારી
મુમુક્ષ નમ્રકુમારે (Mumukshu NamraKumar) શોભાયાત્રામાં લોકોનાં આશીર્વાદ, શુભેચ્છાઓ સ્વીકારી હતી. ભૂવનભાનુ સૂરીજી સમુદાયના પૂજ્ય હેમચંદ્રસૂરીજીનાં શિષ્યરત્ન, (શિલ્પવિધિ) પરમ પૂજ્ય મુનીશ્રી સોમ્યરત્નવિજયજી મહારાજ સાહેબનાં શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ કાંકરિયા હીરપૂર વિસ્તારમાં પરમાત્મા મહાવીર સ્વામીની પાટ પરંપરામાં, જૈન શાસનમાં એક રત્નનો શ્રમણ (સાધુ) તરીકે પ્રવેશ થયો હતો.
20 જૂનને રજોહરણ અર્પણ કરવાનો કાર્યક્રમ
શોભાયાત્રા બાદ આગામી દિવસોમાં શાસન પ્રભાવનાં કાર્યક્રમો થશે અને 20 જૂનને ગુરુવારે રજોહરણ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. જૈન સમાજમાં થોડા દિવસના અંતર બાદ તરત જ બીજા દીક્ષા (Diksha) સમારંભનું શહેરમાં (Ahmedabad) આયોજન કરાયું હતું, જે ખૂબ જ મોટી વાત છે. કેમ કે, આજનાં આ ભોગવિલાસના સમયમાં, પશ્ચિમી સંસ્કૃતિનાં આક્રમણ અને બાહ્ય ભોગવિલાસ સામે આંતરિક આનંદની અનુભૂતિ ચડિયાતી છે, તે આ બાળ મુમુક્ષ નમ્રકુમાર સાબિત કરે છે.
અહેવાલ : સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો - DABHOI : તીર્થક્ષેત્ર ચાંદોદમાં ગંગા દશહરા પર્વની રંગેચંગે ઉજવણી
આ પણ વાંચો - Pavagadh : મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં રોષ
આ પણ વાંચો - Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન