ઓખા નજીક ભારતીય જળસીમમાંથી પાકિસ્તાનની બોટ સાથે 13 ખલાસીઓને ઝડપાયા
ઓખા કોસ્ટગાર્ડ ઝડપી પાકિસ્તાની બોટ
કોસ્ટ ગાર્ડ દ્વારા બોટ અને ખલાસીઓને ઓખા લવાયા
પાક. નાઝ-એ- કરમ નામની બોટ સાથે 13 ખલાસીઓને ઝડપ્યા
બોટ એન્જિન ખરાબ થતા ભારતીય જળ સીમામાં ઘુસ્યાનું અનુમાન
ભારતીય કોસ્ટગાર્ડના જવાનોએ ઓખા નજીક ભારતીય જળસીમામાં પ્રવેશેલી પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ બોટમાં સવાર 13 જેટલા ખલાસીઓની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ તેઓને ઓખા લાવવામાં આવ્યા છે, જ્યાં તેમનું ઈન્ટ્રોગેશન થઈ રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભારતીય કોસ્ટગાર્ડની 'અરિંજય' શિપમાં ફરજ બજાવી રહેલા જવાનોએ ઓખા નજીક ભારતની જળસીમામાં પ્રવેશ કરી રહેલી પાકિસ્તાની બોટને આંતરી હતી. ભારતીય જળ સીમામાં માછીમારી કરી રહેલી 'નાઝ-એ-કરમ' નામની ફિશિંગ બોટમાંથી 13 જેટલા ખલાસીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
હાલ તમામ પાકિસ્તાની ખલાસીઓને ઓખા લાવવામાં આવ્યા છે. જ્યાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જે બાદ તેમના વિરુદ્ધ મરીન પોલીસ ચોકીમાં ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયા કાંઠે ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ કોસ્ટલ સિક્યુરિટીને વધારે મજબૂત બનાવવામાં આવી છે. આમ છતાં પાકિસ્તાની ખલાસીઓ સાથેની ફિશિંગ બોટ ભારતીય જળ સીમામાં કેવી રીતે પ્રવેશી? તે તપાસનો વિષય છે.
આ પણ વાંચો -BHARUCH: સાસરિયાઓના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત