BSF ની 43 મી આંતર સીમાંત કુસ્તી સમુહ પ્રતિયોગિતા-2023 નું ભવ્ય સમાપન
સીમા સુરક્ષા દળ-BSF ના ગુજરાત ફ્રન્ટિયરના યજમાનપદે ગાંધીનગરમાં 43 મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-2023 નું આયોજન કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રૉફી-મેડલ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બી.એસ.એફ.ના જવાનો રમતના મેદાનોમાં અને દેશની સીમાઓ પર વિજયી થાય અને ભારતનું ગૌરવ-પ્રતિષ્ઠા વધારે એવી શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલે બિરદાવ્યા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિજેતાઓને અભિનંદન આપ્યા અને અન્ય ખેલાડીઓને વધુ મહેનતપૂર્વક પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ અડગ ઊભા રહેલા BSF ની વિવિધ ટીમોના રમતવીરોને સંબોધીને તેમણે કહ્યું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દેશની સીમાઓ સાચવી બેઠેલા BSF ના જવાનો ભારતીય સેના કરતાં પણ અગ્રેસર ફરજ બજાવે છે. આ મોસમ આવા વીર જવાનોના જુસ્સાને ડગાવી શકતી નથી, બલકે આ જવાનો મોસમના મિજાજને બદલી નાખવા સમર્થ છે. રમતગમત સ્પર્ધાઓના સુંદર આયોજન બદલ તેમણે BSF ગુજરાતના મહાનિરીક્ષક શ્રી રવિ ગાંધી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
ક્યારે આયોજન થયું હતુ?
ગાંધીનગર BSF માં તા. 25 થી 29 જુલાઈ દરમિયાન 43 મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં સીમા સુરક્ષા દળની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાના કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત તથા ભારત-બાંગ્લાદેશ સીમા પર તહેનાત ઉત્તર બંગાળ, દક્ષિણ બંગાળ, ગૌહાટી, મેઘાલય, મણીપુર-કછાર અને ત્રિપુરા સહિત કુલ 11 ફ્રન્ટિયરોની ટીમોએ ભાગ લીધો હતો આ પ્રતિયોગિતામાં કુસ્તી, બૉક્સિંગ, વેઈટ લિફ્ટિંગ, કબ્બડી અને બૉડીબિલ્ડીંગ સ્પર્ધાઓમાં 900 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
કોણ વિજેતા? કોણ રનર્સઅપ?
પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કુસ્તી (ફ્રી સ્ટાઈલ) માં ગુજરાત વિજેતા થયું હતું. જ્યારે પંજાબ રનર્સ અપ રહ્યું હતું. ગ્રેકો રોમન સ્ટાઇલમાં ઉત્તર બંગાળ વિજેતા થયું હતું જ્યારે રાજસ્થાન રનર્સ અપ રહ્યું હતું. બૉડીબિલ્ડિંગમાં જમ્મુ ફ્રન્ટિયર વિજેતા અને ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. વેઇટ લિફ્ટિંગમાં મણીપુર-કછાર વિજેતા રહ્યું હતું જ્યારે ગુજરાત રનર્સ અપ રહ્યું હતું. કબડ્ડીમાં જમ્મુ વિજેતા અને દક્ષિણ બંગાળ રનર્સ અપ રહ્યું હતું. જ્યારે બોક્સિંગમાં ગુજરાત વિજેતા અને જમ્મુ તથા ત્રિપુરા સંયુક્તપણે રનર્સ અપ રહ્યા હતા.
દિગ્ગજ ખેલાડીઓની ઉપસ્થિતિ
બેસ્ટ બૉક્સર શ્રી પવન (ગુજરાત) બેસ્ટ કબડ્ડી પ્લેયર શ્રી અજીતસિંહ (દક્ષિણ બંગાળ) બેસ્ટ વેઇટ લિફ્ટર બાદલ નાઈક (ગુજરાત) બેસ્ટ બૉડીબિલ્ડર અશોકકુમાર (જમ્મુ), બેસ્ટ રેસલર (ફ્રી સ્ટાઈલ) શ્રી નરેન્દ્ર (ગુજરાત) અને બેસ્ટ રેસલર (ગ્રેકો રોમન સ્ટાઇલ) ભૂરુ સેન (ઉત્તર બંગાળ) આ વિજેતાઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે બેસ્ટ પ્લેયર ટ્રોફી અર્પણ કરાઈ હતી.
વિવિધ કાર્યક્રમો અને બુલેટિન વિમોચન
પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં BSF ની મહિલા બટાલીયને યોગનું અને જવાનોએ મલખમનું નિદર્શન કર્યું હતું. જમ્મુ ફ્રન્ટિયર અને દક્ષિણ બંગાળની કબડ્ડી ટીમો વચ્ચે પ્રદર્શન મેચ યોજાઇ હતી, જેમાં દક્ષિણ બંગાળની ટીમ વિજેતા થઈ હતી. સમાપન સમારોહમાં ભવ્ય પરેડ ઉપરાંત ટીમોની માર્ચપાસ્ટ યોજાઇ હતી. BSF ના જવાનોએ આસામનું બિહુ લોકનૃત્ય અને પંજાબનું ભાંગડા રજૂ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે બુલેટિનનું વિમોચન કરાયું હતું. પ્રતિયોગીતાના સમાપન સમારોહમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહના પ્રારંભે BSF ગુજરાતના મહાનિરીક્ષક શ્રી રવિ ગાંધીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. સમારોહના અંતે ઉપમહાનિરીક્ષક શ્રી આર.એસ. શક્તાવતે આભાર દર્શન કર્યું હતું.
આ પણ વાંચો : INTERNATIONAL TIGER DAY 2023 : 50 વર્ષોમાં વાઘની સંખ્યામાં થયો આટલો વધારો, આ રાજ્ય છે ટૉપ પર, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.