Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણીતી ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલે કેજરીવાલનો ઇન્ટરવ્યૂ છેક છેલ્લી ઘડીએ રદ કરી નાખ્યો!

“હાથીના ચાવવાના અને દેખાડવાના જુદા...” આ ગુજરાતી કહેવતથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે! એવું બની શકે કે, બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછાને કારણે આજે નવી પેઢીના ઘણાં લોકોને આ કહેવતની કે તેના અર્થની ખબર ન હોય! છતાં, મોટાભાગના લોકો આ કહેવત જાણે છે એવું માની લઈએ અને આજના સમયને ધ્યાનમાં રાખીને આ કહેવત સૌથી વધુ કોને લાગુ પડે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એક અવાજે લોકો એવુ
05:26 AM Apr 10, 2022 IST | Vipul Pandya
“હાથીના ચાવવાના અને દેખાડવાના જુદા...” આ ગુજરાતી કહેવતથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે! એવું બની શકે કે, બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછાને કારણે આજે નવી પેઢીના ઘણાં લોકોને આ કહેવતની કે તેના અર્થની ખબર ન હોય! છતાં, મોટાભાગના લોકો આ કહેવત જાણે છે એવું માની લઈએ અને આજના સમયને ધ્યાનમાં રાખીને આ કહેવત સૌથી વધુ કોને લાગુ પડે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એક અવાજે લોકો એવું જ કહેશે કે, “આજના રાજકારણીઓને, આજના નેતાઓને!!” ખરું ને?
ઉપરની કહેવત પૂરેપૂરી લાગુ પડે એવી એક ઘટના બહાર આવી છે. ખોબલે ને ખોબલે વચનોની લ્હાણી કરતા અને અમને (આમ આદમી પાર્ટીને) ચૂંટી મોકલશો તો માગો તે મફત મળશે એવું પબ્લીકને કહેવામાં કોઈ કચાશ નહીં છોડતા ભારે ખુરાંટ નેતા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ પડતાં આત્મવિશ્વાસ માં દેખાઈ રહ્યા છે. 
દિલ્હીમાં ઉપરા-ઉપરી બે ટર્મ સત્તામાં આવ્યા પછી હવે પંજાબમાં પણ ભારે બહુમતી સાથે સત્તાના સૂત્રો હસ્તગત કરનાર કેજરીવાલનો ડોળો હવે ગુજરાત પર હોય એ સ્વાભાવિક છે. ગુજરાતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે એટલે કેજરીવાલ પોતાની આગવી રણનીતિ ગુજરાતમાં પણ અપનાવવાની વેતરણમાં છે!
લોકોને પાણી, વીજળી, ગેસ, રાશન એમ બધું જ ‘ફ્રી’ આપવાની ‘રણનીતિ’ બે રાજ્યોમાં સફળ થઈ એટલે હવે એ જ રણનીતિના જોરે ગુજરાતની ગાદીએ પણ ચડી બેસવામાં સફળતા મળી જશે એવું માની રહેલા કેજરીવાલે તાજેતરમાં “ચાવવાના અને દેખાડવાના જુદા” એ કહેવતને સંપૂર્ણ ન્યાય આપતું વર્તન કર્યાની અત્યંત રસપ્રદ વાત બહાર આવી છે. આ વાત એક સપ્તાહ જૂની છે પણ પાછળ થી બહાર આવેલી વાત મીડિયા જગતમાં હોટ ટોપિક બની છે.
બન્યું એવું કે, ગુજરાતની આગામી ચૂંટણીઓને અનુલક્ષીને કેજરીવાલે તાજેતરમાં ચાર-પાંચ ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલોને ઇન્ટર્વ્યૂ આપ્યા હતા. કેજરીવાલની શરત હોય છે કે, ઇન્ટર્વ્યૂ લેવાય એ પૂર્વે ન્યૂઝ ચેનલે જે પ્રશ્નો પૂછવાના હોય એ આગોતરા મોકલી આપવા. આ રીતે જુદી-જુદી ચેનલોએ ઇન્ટર્વ્યૂ કરી પણ લીધા પરંતુ, ગુજરાતની એક જાણીતી ટીવી ચેનલે કેજરીવાલનો ઇન્ટર્વ્યૂ લેવાની તમામ તૈયારીઓ કરી લીધા પછી છેક છેલ્લી ઘડીએ કેજરીવાલને હિંમતભેર ના સૂણાવી દીધી; સ્પષ્ટ કહી દીધું કે અમારે તમારો ઇન્ટર્વ્યૂ નથી કરવો મિસ્ટર કેજરીવાલ! 
અગાઉના રાજકારણીઓ છાપાં, ટીવી ચેનલોના ઇન્ટર્વ્યૂ આપતાં પહેલાં કોઈ જ પૂર્વશરત રાખતા નહોતા અને પત્રકારો દ્વારા જે કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવે તેનો સીધો જ જવાબ આપતા પરંતુ, હવે સમય બદલાયો છે.  પોતાની છબી ખુબ “ઉજળી”, “ચમકતી” રાખવાની લ્હાયમાં અત્યારે અનેક નેતાઓ પત્રકારોને પણ પોતાની શરતોએ બાંધી લેવાની કોશિશ કરવા માંડ્યા છે. આનું બીજું પણ એક કારણ છે. આજે કોઈપણ અખબાર કે ટીવી ન્યૂઝ ચેનલને જાહેરાત કે વિજ્ઞાપન વિના ચાલતું નથી. જાહેરાત ન મળે તો છાપાં, ચેનલો ચાલે જ નહીં એવી સ્થિતિ છે. વાસ્તવિકતા પણ છે. કેજરીવાલ જેવા નેતાઓ અખબારો અને ટીવી ન્યૂઝ ચેનલોની આ નબળાઈ જાણી ગયા છે. લાખો, કરોડો રૂપિયાની જાહેરાતો દ્વારા મિડિયાને પોતાના ખિસ્સામાં રાખતા થઈ ગયા છે.
વાતનો તંતુ ફરી સાંધીએ તો, અમદાવાદની તાજ હોટેલ ખાતે કેજરીવાલનો ઇન્ટર્વ્યૂ લેવાની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. ઉપરોક્ત જાણીતી ગુજરાતી ટીવી ચેનલે જે જે પ્રશ્નો પૂછવાના હતા તેની યાદી પણ કેજરીવાલને મોકલી આપી હતી. યાદી જોતાં કેજરીવાલને વાંધો પડ્યો અને પ્રશ્નાવલિમાં ટીક-માર્ક કરીને ચેનલને જણાવ્યું કે, આટલા પ્રશ્નો પૂછવાના અને (જેનો જવાબ આપવામાં પોતે ભીડાઈ જાય) એવા આકરાં પ્રશ્નો નહીં પૂછવાના! ચેનલના સ્વાભિમાની અને ખુમારીભર્યા તંત્રીએ કહ્યું કે, તમે કહો એ જ રીતે જો અમારે ઇન્ટર્વ્યૂ લેવાનો હોય તો એવો ઇન્ટર્વ્યૂ કરવાની અમારે કોઈ જ જરૂર નથી. અને છેક છેલ્લી ઘડીએ કેજરીવાલનો ઇન્ટર્વ્યૂ રદ કરી દેવામાં આવ્યો.
આમ આદમી પાર્ટીના પ્રવક્તાને આ વિષે પૂછવામાં આવતાં તેમણે આવું કંઈ બન્યાનો નનૈયો ભણી દીધો હતો. પ્રવક્તાએ એવો લૂલો બચાવ કર્યો કે, જે દિવસે બપોરે ઇન્ટર્વ્યૂ ગોઠવવામાં આવ્યો હતો એ સમયે અચાનક અરવિંદ કેજરીવાલની તબિયત બગડી ગઈ હતી અને પાછળથી અન્ય કોઈ એપોઇન્ટમેન્ટ નક્કી થઈ જતાં ઇન્ટર્વ્યૂ છેલ્લી ઘડીએ કેન્સલ કરવો પડ્યો હતો. ટીવી ન્યૂઝ ચેનલે ઇન્ટર્વ્યૂ રદ કરી દીધો એવી વાત પ્રવક્તાએ નકારી કાઢી હતી. પક્ષ પ્રવક્તા પણ રાજકારણનો જ માણસ હોય છે. 
વાતનો સાર કાઢીએ તો, યેનકેન પ્રકારે ગુજરાતી મતદાતાઓને રિઝવવાની કોશિશ કરી રહેલા અરવિંદ કેજરીવાલ પત્રકારોને પણ પોતાની હથેળી પર નચાવવાની કોશિશ કરતા હોય તો સત્તામાં આવ્યા પછી પ્રજાને પોતાની હથેળીમાં નહીં નચાવે એની શું ખાતરી? (અસ્તુ).
Tags :
AamAadmiPartyAAPArvindKejriwalGujaratGujaratFirstgujaratitvchannelinterviewSpokesperson
Next Article